ગંગા બેરેજ પાસે આવેલા નથ્થુપુરવા ગામ નજીક બનેલી દુર્ઘટના અંગે તપાસ શરૂ
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના કાનપુર નજીક ગુરુવારે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. કાનપુરમાં ગંગા બેરેજ પાસે આવેલા નથ્થુપુરવા ગામ નજીક એક તાલીમી વિમાન અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈને જમીન પર ખાબક્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં વિમાનમાં સવાર પાયલટ અને કો-પાયલટ બંનેના કરુણ મોત નીપજ્યા હા.બનાવ અંગે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાન એક ખાનગી કંપનીનું હતું અને તેનો ઉપયોગ ઉડ્ડયનની તાલીમ આપવા માટે કરવામાં આવી રહ્યો હતો. ગુરુવારે બપોરના સમયે આ વિમાન ઉડાન ભરી રહ્યું હતું ત્યારે અચાનક તે ક્રેશ થયું હતું. શરૂઆતી અહેવાલોમાં બંને પાયલટ ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવાયું હતું, પરંતુ અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેએ જીવ ગુમાવ્યો હતો.વિમાન ક્રેશ થવાના અવાજ અને ધુમાડાના ગોટેગોટા જોઈને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
બનાવની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનાને પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.આ ટ્રેની વિમાન હવામાં કઈ ટેકનિકલ ખામી સર્જાવાને કારણે કે કયા અન્ય કારણોસર ક્રેશ થયું, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઉડ્ડયન વિભાગ અને સંબંધિત તપાસ ટીમો દ્વારા ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને વિમાનની ફ્લાઇટ ડેટા સહિતની માહિતી એકઠી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.


