જો અમેરિકા હુમલો કરશે તો તેઓ કોમર્શિયલ શિપિંગથી લઈને ડેટા સેન્ટર્સ અને અંડરવોટર ઈન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવાશે
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : અમેરિકા અને ઈઝરાયેલે મધ્યસત્ર ચૂંટણીઓ બાદ ઈરાન પર ફરીથી સંયુક્ત હુમલા કરવાની યોજના ઘડી કાઢી બન્ને દેશોએ ઈરાનના ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરમાણુ મથકો અને મિસાઈલ શસ્ત્રાગાર પર ટૂંકા પણ સઘન સૈન્ય ઓપરેશનની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ અમેરિકાના યુદ્ધ સચિવ પીટ હેગસેથે આ મુદ્દે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે મહત્વની ચર્ચા કરવાની સાથે ઈરાન પર મધર ઓફ ઓલ બોમ્બ્સ ફેંકવાનું જાહેર કર્યું છે જેના જવાબમાં ઈરાને અમેરિકા સામે ફાધર ઓફ ઓલ બોમ્બ્સ વાપરવાની ખુલ્લી ધમકી આપી છે.
ફેબ્રુઆરી મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ખતમ થવાને બદલે દિવસે ને દિવસે વક્રી રહ્યું છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના ભૂગર્ભ પરમાણુ મથક પર ૨૨,૦૦૦ પાઉન્ડના મધર ઓફ ઓલ બોમ્બ્સના ઉપયોગ અંગે વિચાર કરી રહ્યા હોવાના અહેવાલો છે. આ સામે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પ્રવક્તા હુસૈન મોહેબ્બીએ કડક ચેતવણી આપતા કહ્યું છે કે, અમેરિકા પાસે મધર ઓફ ઓલ બોમ્બ્સ છે, તો અમે તેમને ફાધર ઓફ ઓલ બોમ્બ્સ બતાવીશું, જે તેમના માટે એકદમ નવું હશે.
અમેરિકા નવેમ્બરની શરૂઆત સુધીમાં ત્રણ એરક્રાફ્ટ કેરિયર્સ, હજારો મરીન કમાન્ડોઝ અને ફાઈટર જેટ્સ સાથે મોટી સૈન્ય તાકાત તૈનાત કરી રહ્યું છે. જોકે, અમેરિકન મધ્યસત્ર ચૂંટણીઓ અને ૨૭ ઓક્ટોબરની ઈઝરાયેલની ચૂંટણીઓ આ ઓપરેશનના સમયમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને સ્પષ્ટ કર્યું છે કે, દબાણ અને યુદ્ધ છતાં ઈરાન અડગ રહેશે. ઈરાની અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે તો તેઓ કોમર્શિયલ શિપિંગથી લઈને ડેટા સેન્ટર્સ અને અંડરવોટર ઈન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવી શકે છે. ઈરાની સલાહકાર મહદી મોહમ્મદીએ ૭૨ કલાકમાં યુદ્ધ પૂરું થવાના અમેરિકન દાવાને કાલ્પનિક ગણાવીને ચીમકી આપી છે કે ઈરાનનો વળતો પ્રહાર વધુ ભયંકર અને આક્રમક હશે.


