સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સઓલિમ્પિક : હોકીમાં 52 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ઓલિમ્પિક : હોકીમાં 52 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

પેરિસ : ભારતીય પુરૂષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી ગ્રુપ મેચ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. 2 ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ રમાયેલી આ મેચમાં ભારત તરફથી અભિષેક (18મી મિનિટ) અને કેપ્ટન હરમનપ્રીત સિંહ (13મી અને 33મી મિનિટ)એ ગોલ કર્યા હતા. જ્યારે કાંગારુ ટીમ માટે થોમસ ક્રેગ (25મી મિનિટ) અને બ્લેક ગોવર્સે (55મી મિનિટ) ગોલ કર્યા હતા.

ભારતીય હોકી ટીમે 52 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. 1972ના મ્યુનિક ઓલિમ્પિક બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોય. એટલે કે ભારતની કાંગારૂ ટીમ સામેની આ જીત એકદમ ઐતિહાસિક હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ પહેલા જ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ હતી.

ભારતીય ટીમે આ મેચના પ્રથમ ક્વાર્ટરમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને બે ગોલ કર્યા હતા. પહેલા અભિષેકે ફિલ્ડ ગોલ કર્યો. આ ગોલ વળતા હુમલાથી આવ્યો હતો. પ્રથમ લલિત ઉપાધ્યાયે ડીમાં પ્રવેશ કર્યો અને ઓસ્ટ્રેલિયન ડિફેન્સથી બચી ગયો. ત્યારબાદ અભિષેકે બોલને ચાર્ટરર તરફ ફ્લિક કરીને ગોલ કર્યો. ત્યારબાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને ભારતીય ટીમને 2-0થી આગળ કરી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ બીજા ક્વાર્ટરમાં પુનરાગમન કર્યું, જ્યારે થોમસ ક્રેગ પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરવામાં સફળ રહ્યો. ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને ભારતને 3-1થી આગળ કરી દીધું હતું. છેલ્લો ક્વાર્ટર રોમાંચક રહ્યો, જ્યાં ઓસ્ટ્રેલિયન ટીમે મેચમાં વાપસી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. બ્લેક ગોવર્સે પણ 55મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો હતો, પરંતુ તે જીતવા કે બરાબરી કરવા માટે પૂરતો નહોતો.

ટોક્યોમાં 41 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ત્યારબાદ તેણે આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રમ્યો હતો. આ પછી ભારતીય ટીમે ત્રીજી મેચમાં આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. જોકે તેને ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

પૂલ-બીમાં ભારત ઉપરાંત ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના, આયર્લેન્ડ, બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયા છે. જ્યારે પૂલ-એમાં નેધરલેન્ડ, જર્મની, બ્રિટન, સ્પેન, દક્ષિણ આફ્રિકા અને યજમાન દેશ ફ્રાન્સનો સમાવેશ થાય છે. બંને ગ્રુપમાંથી ચાર-ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની છે. ભારત પૂલ-બીમાં બીજા સ્થાને રહીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે. જ્યારે બેલ્જિયમ પૂલ-બીમાં ટોપ પર રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના પણ પૂલ-બીમાંથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર