ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે જ વરસાદ વિલન બન્યો હતો. હવે વરસાદના કારણે મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે આ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે માત્ર 13.2 ઓવર જ રમાઈ હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 28 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા 19 રને અને નાથન મેકસ્વીની 04 રને અણનમ છે. આ ટેસ્ટ ભારતીય સમય અનુસાર સવારે 5:50 વાગ્યે શરૂ થવાનો હતો, પરંતુ વરસાદના કારણે હવે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રથમ દિવસે સવારના સેશનમાં વરસાદના વિઘ્નના બે છાંટા પડયા હતા. રમત લગભગ ૩૦ મિનિટ સુધી અટકી ગઈ હતી. ત્યાર બાદ ફરી વરસાદ આવ્યો ત્યારે લાંબી રાહ જોયા બાદ તરત જ દિવસની રમત રદ કરવી પડી હતી. આ દરમિયાન ફેન્સ ઘણા નિરાશ જોવા મળ્યા હતા. બીજી વખત વરસાદ આવ્યા બાદ મેચ શરુ થઈ શકી નહતી અને ત્યાર બાદ લાંબી રાહ જોવડાવ્યા બાદ અમ્પાયરોએ દિવસની રમત પુરી કરવાની જાહેરાત કરી હતી.
સારી વાત એ છે કે બીજા દિવસનો સમય બદલાયો છે. આ ટેસ્ટ મેચના તમામ દિવસોમાં મેચ સવારે 5:50 વાગ્યાથી શરૂ થવાની હતી, પરંતુ હવે મેચ બાકીના દિવસે સવારે 5:15 વાગ્યે શરૂ થશે. આ સાથે એક દિવસમાં લગભગ 98 ઓવરની રમત રમાશે અને આજના દિવસને સરભર કરી શકાશે.
દર્શકોના પૈસા પરત કરવામાં આવશે
ગાબા ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને કારણે માત્ર 13.2 ઓવર જ રમાઈ હતી. 90 ઓવરની રમત જોવા માટે ચાહકોએ ટિકિટ લીધી હતી. આવી સ્થિતિમાં હવે ચાહકોને તેમના પૈસા પરત કરવામાં આવશે. જો 15 ઓવરથી વધુની રમત હોય તો ટિકિટના પૈસા ફેન્સને પાછા ન આપવામાં આવતા, પરંતુ 15 ઓવરથી ઓછી રમત હોવાને કારણે ટિકિટના પૈસા પરત મળી જશે.
શું તમે જાણો છો કે બીજા દિવસે વરસાદ પડશે કે નહીં?
ભારત અને ઓસ્ટ્રેલિયન ચાહકો માટે સારા સમાચાર છે. બીજા દિવસે વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે. હવામાનની આગાહી કરતી વેબસાઇટ અનુસાર, રવિવારે વરસાદની સંભાવના માત્ર 8 ટકા છે, પરંતુ આકાશ આખો દિવસ વાદળછાયું રહી શકે છે. જોકે, ઘણા પ્રસંગોએ હળવા વરસાદને કારણે રમત બંધ થવાની પણ શક્યતા રહેશે.