હળવદના ચરાડવા નજીક ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત, રણછોડગઢ ગામમાં શોક
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં રણછોડગઢ ગામના પાંચ લોકોના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ બાઇક સ્લિપ થતાં ઘાયલ થયેલા યુવકને સારવાર માટે લઈ જતી કિયા કાર ચરાડવા નજીક ડમ્પર પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે બે લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ-ભાવનગર હાઈવે પર SMCનો દરોડો, 97.16 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ-ભાવનગર હાઈવે પર હલેન્ડા ગામ નજીક SMCની ટીમે દરોડો પાડી ટ્રકમાંથી 63.14 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ડિટર્જન્ટ પાવડરના માલની આડમાં સંતાડીને લઈ જવાતો દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. ટ્રક અને અન્ય સામાન સહિત કુલ 97.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે ઘટનાસ્થળેથી કોઈ આરોપી મળી આવ્યો ન હતો. આજીડેમ પોલીસે ટ્રક ડ્રાઈવર, માલિક તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાજકોટ બસ પોર્ટ પર બસનો અકસ્માત, એક વ્યક્તિ ઘાયલ
રાજકોટ બસ પોર્ટના પ્લેટફોર્મ નંબર-9 પર મુન્દ્રા-રાજકોટ રૂટની GSRTC બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો. બસે સેફ્ટી ગાર્ડની જાળી તોડી એક વ્યક્તિને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઘાયલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાજર લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બસના ડ્રાઈવર દ્વારા સમયસર બ્રેક ન લાગતાં અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


