રાજકોટનાં અમીનમાર્ગ પર હિંગળાજનગરના 70 ઝુપડાં હટાવવા મનપાની નોટિસ, કરોડોની જમીન ખુલ્લી કરાશે ચોમાસા સમયે નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશનની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેમાં વેસ્ટઝોનનાં અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક નવર્મિત ટ્વીન્સ ટાવર પાસેનાં હિંગળાજનગરમાં લાંબા સમયથી ખડકાયેલા 70 જેટલાં ઝુપડા ખાલી કરવા મહાપાલિકાએ નોટિસ આપી છે તેમજ વિજીલન્સ વિભાગને સાથે રાખીને આ પ્લોટનું ડીમાર્કેશન પણ કરવામાં આવ્યું છે. અને કરોડો રૂપિયાની કિંમતની આ જમીન ખાલી કરાવવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. જોકે અહીં રહેતા લોકો 50 વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરતા હોવાથી તેમને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ અપાતા ભારે રોષ જોવા મળ્યો છે. ચોમાસા બાદ આ કાર્યવાહી કરાય અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે.


