ભગવાનને નડી મોંધવારી ! ડાકોરના ઠાકોર હવે ભાવિક ભક્તો માટે થશે વધુ મોંઘા, વિવિધ મનોરથના લાગામાં તોતિંગ વધારો
ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોર મંદિરના ભક્તોએ હવે સહન કરવો પડશે મોંઘવારીનો માર. ડાકોર મંદિરે મનોરથના લાગામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગરીબોના બેલી ગણાતા રાજા રણછોડરાયના દર્શને આવતા ભક્તો માટે હવે મનોરથ કરવા ખૂબ જ મોંઘા બનશે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો દ્વારા કરવામાં આવતા વિવિધ મનોરથોના દર (લાગા) માં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલા નવા ફેરફાર મુજબ વિવિધ સેવાઓના દર વધારવામાં આવ્યા છે.
- ડાકોર મંદિરના સોનાના શિખર ઉપર ધજા ચડાવવા પહેલા ભક્તોને ખર્ચવા પડતા હતા માત્ર 610 રૂપિયા અને હવે ખર્ચવા પડશે ₹2500 રૂપિયા
- એ જ શિખર ઉપર 52 ગજની ધજા ચડાવવા ભક્તને ખર્ચવા પડતા હતા પહેલા 2500 રૂપિયા હવે ખર્ચવા પડશે 11 હજાર રૂપિયા
- બાધા માનતાના રાજભોગમાં ભક્તોને પહેલા ભરવા પડતા હતા 3900 રૂપિયા હવે ભરવા પડશે 9345
- ભક્ત દ્વારા કરાવતા કુંજ મનોરથમાં ભક્તોને પહેલા ભરવા પડતા હતા 5100 રૂપિયા અને હવે ભરવા પડશે 11 હજાર
- પહેલા ભક્તોને જો તુલસી વિવાહ કરાવવો હોય તો ભરવા પડતા હતા 25,000 અને હવે ભરવા પડશે 51,000
ધજા ચડાવવાથી લઈને રાજભોગ સુધીની તમામ પૂજા વિધિઓના ભાવમાં સીધો બમણો કે તેનાથી પણ વધુ વધારો કરવામાં આવ્યો છે. ટેમ્પલ કમિટી દ્વારા આ વધારો મંદિરના વ્યવસ્થાપન અને ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવ્યો હોવાનું મનાય છે.


