અમદાવાદના ગરીબનગર ચાર રસ્તા પાસે કાર ચાલકને અચાનક આંચકી આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી કાર લોકો પર ચડી જતાં 6થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
સરદાર સરોવર ડેમની જળસપાટી વધી, પાણીની આવકમાં સતત વધારો
નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે ડેમની જળસપાટી વધીને 126.82 મીટર પર પહોંચી છે. હાલમાં દર કલાકે જળસપાટીમાં અંદાજે 2 સેન્ટિમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. ડેમમાંથી સિંચાઈ અને પીવાના પાણી માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે મુખ્ય કેનાલમાં 14,490 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીની આવકમાં થયેલા વધારાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરની ટક્કરથી મહિલાનું મોત
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ટ્રેક્ટરની ટક્કર લાગતા એક મહિલાનું કરૂણ મોત થયું છે. ટુ-વ્હીલર પર સવાર દંપતિને ટ્રેક્ટરે અડફેટે લેતા મહિલા ટ્રેક્ટરના ટાયર નીચે કચડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે પતિને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


