ધારાસભ્ય માતા ગીતાબા જાડેજાએ દીકરાને કુમકુમ તિલક કરી આવકાર્યો : ઓવરણા લઈ ગળે ભેટી પડતા હાજર સૌની આંખો ખુશીના આંસુઓથી ભીંજાઈ ગઈ : આગળના દિવસોમાં ગોંડલની સેવા કરતા જ રહીશું તેવો હુંકાર ગણેશે ભર્યો
(આઝાદ સંદેશ), રાજકોટ : જુનાગઢ જેલમાં છેલ્લા ત્રણ માસથી રહેલા ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) જામીન પર મુક્ત થતા રાત્રે સાડા આઠ કલાકે ગોંડલ તેમના નિવાસસ્થાને પહોંચતા ઢોલ નગારા અને ફટાકડા ફોડી મોટી સંખ્યામાં ઉમટી પડેલા તેમના સમર્થકોએ સ્વાગત કર્યુ હતું. ગણેશભાઈ ઘરે આવી પહોંચતા તેમના માતા ધારાસભ્ય ગીતાબાએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યુ હતુ. મોડી સાંજથી જ ગણેશભાઈનાં હજારો સમર્થકો તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા. જેલમાંથી છૂટી જુનાગઢથી પડવલા આશાપુરા માતાનાં મંદિરે દર્શન કરી ગોંડલ પંહોચ્યા હતા. ત્યારે જબરી ધક્કામુકી સર્જાય હતી. તેમના નિવાસસ્થાન પાસેથી પસાર થતા આશાપુરા રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય હતી. આ તકે ગણેશભાઇએ જણાવ્યુ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલની જનતાએ તથા સૌરાષ્ટ્ર, ગુજરાતભરનાં મારાં મિત્ર વર્તુળે મારાં પરીવારને સાથ સહકાર અને હુંફ આપી છે તે બદલ નત મસ્તકે હુ તમામનો આભાર માનુ છુ. અમારા પરીવારની લોકોની સેવાની પરંપરા રહી છે તેને આગળ ધપાવીશું તે માટે જે કંઇ પણ કરવાનું થશે તે કરીશું. દરમિયાન મોડી રાત સુધી હજારો સમર્થકોએ ગણેશભાઈનું અભિવાદન કરી લાગણી વ્યક્ત કરી હતી.