અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલા હત્યા કેસની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસને જાણવા મળ્યું કે હત્યા પાછળ નકલી ચલણી નોટોના રેકેટનું રહસ્ય છુપાયેલું હતું. તપાસમાં સ્થળ પરથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયું હતું, જ્યાંથી પ્રિન્ટર, લેમિનેશન મશીન, સિક્યુરિટી થ્રેડ સહિતનું સામગ્રી જપ્ત કરવામાં આવ્યું છે. મૃતક ઇમરાન સિંધા જ છેલ્લા ત્રણ મહિનાથી આ રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. વટવા પોલીસે મૃતક સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હરિયાણાથી પકડાયેલા આરોપીઓ પાસેથી પણ નકલી ચલણી નોટો મળી આવી છે.


