સોમવાર, ઓક્ટોબર 19, 2026

ઈ-પેપર

સોમવાર, ઓક્ટોબર 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયફ્રાન્સમાં હિંસા માટે પ્રવાસીઓને જવાબદાર ઠેરવતા ડોનાલ્ડ ટ્રમ્પ, સરહદો બંધ કરવા આપી...

ફ્રાન્સમાં હિંસા માટે પ્રવાસીઓને જવાબદાર ઠેરવતા ડોનાલ્ડ ટ્રમ્પ, સરહદો બંધ કરવા આપી સલાહ

તોફાની તત્વોને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંની કડક ચેતવણી, રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા જ ફાટી નીકળેલી હિંસાથી સરકાર ચિંતિત

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ફ્રાન્સમાં મોંઘવારી અને જાહેર સેવાઓના મુદ્દે શરૂ થયેલા દેશવ્યાપી પ્રદર્શનોએ હવે ભારે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દેશમાં આગચંપી, લૂંટફાટ અને સરકારી ઈમારતો પર હુમલાની વ્યાપક ઘટનાઓ બની રહી છે. આ તંગદિલી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સની હિંસા માટે પ્રવાસીઓને જવાબદાર ઠેરવીને ફ્રાન્સને પોતાની સરહદો તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે.

 અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ફ્રાન્સની સ્થિતિ અંગે ટિપ્પણી કરતા લખ્યું કે, ફ્રાન્સ સળગી રહ્યું છે! તેમણે દાવો કર્યો હતો કે બહારની દુનિયાથી આવેલા લોકો અને તેમની અંદર રહેલી નફરતે એક સમયે મહાન રહેલા ફ્રાન્સને બરબાદ કરી દીધું છે. બીજી તરફ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પણ પશ્ચિમી દેશોની ઉદારવાદી ઇમિગ્રેશન નીતિઓની આકરી આલોચના કરી હતી. તેમણે કહ્યું કે વિવિધતાના નામે ત્રીજી દુનિયાના લોકોને પશ્ચિમી દેશોમાં વસાવવા પર ધ્યાન અપાયું છે, પરંતુ તેમની સાંસ્કૃતિક અનુકૂળતાની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ફ્રાન્સમાં શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાની સારી સુવિધાઓ માટે શરૂ થયેલું આ આંદોલન હવે મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચના વિરોધમાં ફેરવાઈ ગયું છે, જેમાં મજૂર સંગઠનો પણ જોડાયા છે. પ્રદર્શનકારીઓએ અનેક દુકાનો લૂંટી છે અને ઐતિહાસિક લિમોજ ટાઉન હોલને પણ આગ ચાંપી દીધી છે. ફ્રાન્સના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હિંસા અને તોડફોડના મામલે દેશભરમાંથી 1,800 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 855 ધરપકડ માત્ર રાજધાની પેરિસમાં જ થઈ છે. અંદાજે 5.5 થી 8 લાખ લોકો આ પ્રદર્શનોમાં જોડાયા હોવાનો અંદાજ છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ હિંસક તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકારી કચેરીઓ, દુકાનો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા કે લૂંટફાટ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના છ મહિના પહેલા જ ફાટી નીકળેલી આ હિંસા અને પ્રદર્શનોએ આર્થિક પડકારોનો સામનો કરી રહેલી સરકારની ચિંતામાં મોટો વધારો કર્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર