મેટોડાના પ્રૌઢ હરસુખભાઈ ચૌહાણ (ઉ.વ.56)ના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાસ થંભ્યા, પરિવારમાં શોકનું મોજું
રાજકોટ : રાજકોટ નજીક આવેલા મેટોડાના વીરડા વાજડી પાસે એક અત્યંત કરુણ વાહન અકસ્માતની ઘટના સામે આવી છે. છકડા રિક્ષામાં ડીઝલ ખૂટી જતાં કેરબો લઈને સામેના પંપ પર ડીઝલ લેવા રસ્તો ઓળંગી રહેલા પ્રૌઢને પુરપાટ ઝડપે આવતા બાઈકે અડફેટે લેતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
રાજકોટના મેટોડા વિસ્તારમાં આવેલ વીરડા વાજડી નજીક સાંજના આશરે છ વાગ્યાના સુમારે આ જીવલેણ બનાવ બન્યો હતો. મેટોડા ગેટ-૧ પાસે આવેલા મિત પાર્ક-૨માં રહેતા ૫૬ વર્ષીય પ્રૌઢ હરસુખભાઈ ભોજાભાઈ ચૌહાણ પોતાની છકડો રિક્ષા લઈને ફેરો મારવા નીકળ્યા હતા, તે દરમિયાન અચાનક રિક્ષાનું ડીઝલ પૂરું થઈ ગયું હતું.
રિક્ષા બંધ પડી જતાં હરસુખભાઈએ વાહનને રસ્તાની સાઈડમાં પાર્ક કર્યું હતું. ત્યારબાદ તેઓ હાથમાં કેરબો લઈને રસ્તાની સામે પાર આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે પગપાળા રસ્તો ઓળંગી રહ્યા હતા. આ સમયે અચાનક ધસી આવેલી એક બાઈકે તેમને જોરદાર ઠોકર મારતાં તેઓ રોડ પર પટકાઈને ગંભીર રીતે ઘવાયા હતા.
ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત પ્રૌઢને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર મળ્યા બાદ ઈજાઓ ગંભીર હોવાના કારણે હરસુખભાઈએ દમ તોડી દીધો હતો.
બનાવ અંગે જાણ થતાં જ મેટોડા પોલીસની ટીમે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક પાસેથી મળેલા ઓળખકાર્ડ અને મોબાઈલ ફોનના આધારે તેમની ઓળખ છતી થઈ હતી, જેના પગલે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. મૃતક હરસુખભાઈ પરિવારના મોભી હતા અને રિક્ષાના ફેરા કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અકાળે અવસાનથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


