ભાડલા પોલીસે રાયધન પરમાર (ઉ.વ.33)ને જાનથી મારવાની ધમકી આપનાર દહીંસરાના બે વ્યાજખોરો સામે મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
રાજકોટ : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ખડવાવડી ગામે વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નાણાંની જરૂરિયાત ધરાવતા એક નિર્દોષ યુવાનને વ્યાજના વિષચક્રમાં ફસાવી તેની કાર પડાવી લેવામાં આવી છે. યુવાને પોતાના જરૂરિયાતના સમયે ૧૦ ટકાના ઊંચા માસિક વ્યાજે રૂ. ૧ લાખ લીધા હતા. આ રકમ ચૂકવવામાં થોડો સમય માંગતા જ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, યુવાન જે ઈકો કાર ચલાવી રહ્યો હતો તે બળજબરીપૂર્વક પડાવી લેવામાં આવી હતી. આ મામલે પીડિત યુવાને હિંમત દાખવી ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એકટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત મુજબ જસદણના ખડવાવડી ગામે રહેતા રાયધનભાઇ ઘુઘાભાઈ પરમાર (ઉ.વ.૩૩) નામના યુવાને ભાડલા પોલીસ મથકમાં દહીંસરા ગામે રહેતા નરેશ ઉર્ફે નાગરાજ ભોળાભાઈ સાકરીયા તથા તેના મિત્ર અજિત બાવકુભાઈ ધાધલ સામે ફરિયાદ નોંધાવી છે. રાયધનભાઇએ એકાદ મહિના પહેલા પોતાના મિત્ર લક્ષ્મણભાઈ અરજણભાઈ મુંધવા (રહે. સરધાર) પાસેથી ઈકો કાર (નં. જીજે ૦૩ એમ.પી પ૨૯૫) મજુરોને ભાડલાથી રફાળા ખાતેની ફેક્ટરીમાં લઈ જવા માટે ભાડે લીધી હતી. દરમિયાન યુવાનને અચાનક નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેણે દહીંસરાના નરેશ ઉર્ફે નાગરાજ અને અજીત ધાધલ પાસેથી રૂ. ૧ લાખ ૧૦ ટકાના માસિક વ્યાજે લીધા હતા.
ત્યારબાદ બંને વ્યાજખોરો અવારનવાર વ્યાજ અને મુદલ રકમની કડક ઉઘરાણી કરવા લાગ્યા હતા. રાયધનભાઈએ સગવડ થતાં જ વ્યાજ સહિત નાણાં ચૂકવી આપવાની ખાતરી આપી હતી. પરંતુ ગત તા. ૨૭/૦૮/૨૦૨૬ના રોજ સાંજના સમયે રાયધનભાઈ ઈકો કાર લઈને ભાડલા ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપી નરેશ ઉર્ફે નાગરાજે તેમને આંતર્યા હતા. તેણે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હતી કે “અઠવાડિયામાં રૂપિયા અને વ્યાજ નહીં આપે તો તને જાનથી મારી નાખીશ.” આટલું કહી નરેશ બળજબરીથી યુવાન પાસેથી ઈકો કાર આંચકીને જતો રહ્યો હતો.
આ બનાવ અંગે રાયધનભાઈએ કારના મૂળ માલિક અને પોતાના મિત્ર લક્ષ્મણભાઈને જાણ કરી હતી. ત્યારબાદ બંને જણા નરેશ અને અજીત પાસે ગયા હતા અને કાર પરત આપવા વિનંતી કરી હતી. પરંતુ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કાર આપવાની ના પાડી દીધી હતી. સાથે જ તેમણે ધમકી આપી હતી કે “ઈકો ગાડી મળશે નહીં અને એક અઠવાડિયામાં ૧ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજ સાથે આપી જજે, નહિતર જાનથી મારી નાખીશું.” આખરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને રાયધનભાઈએ ભાડલા પોલીસ સ્ટેશનમાં નરેશ ઉર્ફે નાગરાજ સાકરીયા અને અજિત ધાધલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


