શુક્રવાર, સપ્ટેમ્બર 18, 2026

ઈ-પેપર

શુક્રવાર, સપ્ટેમ્બર 18, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયભારતમાં બનેલી ચિપ દુનિયાભરમાં પહોંચવાનું શરૂ થઈ ગયું છે : સેમિકોન ઇન્ડિયાનો...

ભારતમાં બનેલી ચિપ દુનિયાભરમાં પહોંચવાનું શરૂ થઈ ગયું છે : સેમિકોન ઇન્ડિયાનો પ્રારંભ કરાવતા પીએમ મોદી

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ભારતના સેમિકન્ડક્ટર મિશનને નવી ગતિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2026ની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. તા.17 થી 19 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મહાસંમેલનમાં 52 દેશોની 600થી વધુ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ, રોકાણકારો અને નિષ્ણાતો એક મંચ પર એકઠા થયા છે. પીએમ મોદીએ આ પ્રસંગે યુવાઓ સાથે સંવાદ સાધતા ઇન્ડસ્ટ્રી લીડર્સને દેશના વિકાસના ભાગીદાર ગણાવ્યા હતા અને વિશ્વકર્મા પૂજાની શુભેચ્છાઓ પાઠવી ભારતની સિદ્ધિ ગણાવતા કહ્યું હતું કે, ભારતમાં બનેલી ચિપ દુનિયાભરમાં પહોંચી રહી છે.

સેમિકોન ઇન્ડિયાના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હવે ભારતના પ્લાન્ટમાંથી બનેલી ચિપ દુનિયાભરમાં પહોંચવાનું શરૂ થઈ ગયું છે. આટલા ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવવી કોઈ પણ દેશ માટે સરળ નથી. દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. તેમણે ગ્લોબલ ફિનટેક ફેસ્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એક તરફ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે, તો બીજી તરફ વૈશ્વિક સ્તરે ભારત પર વિશ્વાસ વધી રહ્યો છે. તાજેતરમાં જ જાપાનની ક્રેડિટ રેટિંગ એજન્સીએ લગભગ 35 વર્ષ બાદ ભારતનું સોવરિન રેટિંગ અપગ્રેડ કર્યું છે, જે દુનિયાના આ અતૂટ ભરોસાનું જ પરિણામ છે.

પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, સેમિકન્ડક્ટર મિશનના પ્રથમ તબક્કામાં 8 બિલિયન ડોલરના રોકાણનો લક્ષ્યાંક હતો, જેને બીજા તબક્કામાં વધારીને 30.5 બિલિયન ડોલર કરવામાં આવ્યો છે. આજે ભારતીય કંપનીઓ ચિપ ડિઝાઇન માટે વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરી રહી છે. દેશમાં ચિપ ફેબ્રિકેશન અને સિલિકોન ફોટોનિક્સ પર અત્યંત ઝડપી કામગીરી ચાલી રહી છે, જેના માટે જરૂરી પાયાનું માળખું તૈયાર કરી લેવામાં આવ્યું છે. તેમણે વિદેશી કંપનીઓને ભારતમાં મૂડીરોકાણનું આમંત્રણ આપતા કહ્યું કે ભારત તેમના માટે કોઈ ‘ગોલ્ડમાઇન’ થી કમ નથી.

સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડિંગ ધ ઇકોસિસ્ટમની થીમ પર આધારિત આ ઇવેન્ટનું આયોજન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય તથા સેમીના સહયોગથી થઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં લગભગ 300 વિદેશી કંપનીઓ સહિત 600થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. આ વખતનું મુખ્ય આકર્ષણ સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમ્સ વેલ્યુ ચેઇન એક્સપિરિયન્સ છે. અહીં મુલાકાતીઓને રેતીથી લઈને એડવાન્સ ચિપ પેકેજિંગ, ડિઝાઇનિંગ અને ફાઇનલ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ સુધીની સેમિકન્ડક્ટર નિર્માણની સંપૂર્ણ સફરને એક જ જગ્યાએ લાઈવ સમજવાની તક મળી રહી છે. જ્ઞાન અને કૌશલ્ય વિકાસ પર કેન્દ્રિત આ કાર્યક્રમ ભારતની પરંપરા અને ટેકનોલોજીનો અદભુત સમન્વય પૂરો પાડે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર