મંગળવાર, સપ્ટેમ્બર 8, 2026

ઈ-પેપર

મંગળવાર, સપ્ટેમ્બર 8, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાતમાં દોઢ લાખથી વધુ લોકો સાથે રૂ.634 કરોડનું સાયબર ફ્રોડ, 6 શખસોની...

ગુજરાતમાં દોઢ લાખથી વધુ લોકો સાથે રૂ.634 કરોડનું સાયબર ફ્રોડ, 6 શખસોની ધરપકડ

અમરેલી સાયબર ક્રાઈમનો મોટો ધડાકો : SD PAY એપ્લિકેશન મારફતે થયેલા કૌભાંડનો પર્દાફાશ : એપ્લિકેશન મારફતે 1 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયાથી વધુ રકમનું રોકાણ કરાવવામાં આવતું : રોકાણકારોને દૈનિક 0.15%થી લઈને 0.30% સુધીનું આકર્ષક વળતર આપવાની જાહેરાતો કરવામાં આવતી

રાજકોટ : ​ગુજરાતમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ અસાધારણ નાણાકીય વળતરની લાલચ આપી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારી ગેંગનો અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. SD Pay અને Apna Pay નામની એપ્લિકેશન મારફતે આચરવામાં આવેલા અંદાજે 634 કરોડ રૂપિયાના કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કંપનીના ડિરેક્ટર સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં દોઢથી પોણા બે લાખ જેટલા લોકોને ટાર્ગેટ બનાવીને તેમની સાથે મોટી નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

​આ ગેંગ દ્વારા S.D. Pay એપ્લિકેશન મારફતે 1 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયાથી વધુ રકમનું રોકાણ કરાવવામાં આવતું હતું. તેના બદલામાં રોકાણકારોને દૈનિક 0.15%થી લઈને 0.30% સુધીનું આકર્ષક વળતર આપવાની જાહેરાતો કરવામાં આવતી હતી. આ સિવાય રોકાણકારોને વધુ લોકોને જોડવા માટે 15 અલગ-અલગ લેયર સુધી 3%થી 30% સુધીના રેફરલ બોનસની લાલચ આપવામાં આવતી હતી. પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ ડાઉનલોડ ધરાવતી આ એપ દ્વારા રેફરલ નેટવર્ક ઊભું કરીને દોઢથી પોણા બે લાખ લોકોને જોડી કરોડો રૂપિયાનું રોકાણ કરાવાયું હતું.

​રોકાણકારોને આકર્ષવા માટે અલગ-અલગ સ્લેબ બનાવવામાં આવ્યા હતા. જેમાં 1,000 રૂપિયાથી 25,000 રૂપિયા સુધીના રોકાણ પર દૈનિક 0.15% વળતર, 25,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા પર 0.20% વળતર, 1 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર 0.25% વળતર અને 5 લાખ રૂપિયાથી વધુના રોકાણ પર 0.30% દૈનિક વળતર આપવાનું વચન આપવામાં આવતું હતું. સાથોસાથ 15 લેયર સુધી 3%થી 30% સુધીનું કમિશન આપીને વધુમાં વધુ લોકોને આ જાળમાં ફસાવવામાં આવતા હતા.

​અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે BNS, Banning of Unregulated Deposit Schemes Act, GPID એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી SITની રચના કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે નાણાં મેળવવા અને સગેવગે કરવા માટે S.D. Hub (OPC) Pvt. Ltd., Shiv Dharti Communication, Upay Digi Payment India જેવી ડમી કંપનીઓ ઊભી કરવામાં આવી હતી. આ કંપનીઓના 15 બેન્ક ખાતાઓમાં 634 કરોડ રૂપિયા જમા થયા હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત અન્ય 30થી 35 અંગત બેન્ક ખાતાઓ પણ મળી આવ્યા છે.

​પોલીસે આ મામલે માણસાના સૂર્યસિંહ રાઠોડ, સુરતના આશિષ ગેડિયા અને ભાવેશ ચૌહાણ, મહેસાણાના નિશી પ્રસાદ, સોહિલ મકવાણા અને નિરવકુમાર પટેલની ધરપકડ કરી છે. NCCRP પોર્ટલ પર તપાસ કરતા આ ગેંગના 12 બેન્ક ખાતાઓ સામે દેશભરમાંથી 83 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. હાલ SIT દ્વારા વધુ ડમી કંપનીઓ અને બેન્ક ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર