રાજકોટ : મોરબી તાલુકાના રફાળીયા ગામ પાસે આવેલી આદ્યશક્તિ પેપર મીલમાં મજૂરી કામ કરતાં અને ત્યાં જ પરિવાર સાથે રહેતાં મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં મોડી રાત્રે એક સનસનાટીભરી અને કરુણ ઘટના સામે આવી છે. જામનગર પંથકમાં પોતાના ભાઈ સાથે વાડીમાં રહીને મજૂરી કરતા પતિએ મોરબી આવીને પોતાની નિંદ્રાધીન પત્નીના માથાના ભાગે ઘણનો ઘા ઝીંકી દઈને ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર પંથક અને શ્રમિક આલમમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની વિગતો મુજબ, મોરબી નજીક રફાળીયા પાસેની આદ્યશક્તિ પેપર મીલમાં મૂળ મધ્યપ્રદેશના શાંતાબેન ભૂરાભાઈ કટારા (ઉંમર વર્ષ ૪૫) પોતાના સંતાનો (ત્રણ પુત્રી અને બે પુત્ર) સાથે રહીને મજૂરી કામ કરતા હતા. તેમના પતિ ભૂરાભાઈ બુધીયાભાઈ કટારા જામનગર પાસે પોતાના મોટા ભાઈ સાથે વાડી વિસ્તારમાં રહી મજૂરી કરતા હતા. ભૂરાભાઈ છેલ્લા બે દિવસથી જામનગરથી રફાળીયા ખાતે પત્ની અને બાળકો રહે છે ત્યાં આવ્યા હતા. ભૂરાભાઈને દારૂ પીવાની ભારે આદત હોવાથી તેઓ દારૂ પીને પોતાની પત્ની શાંતાબેન સાથે અવારનવાર ઝઘડા અને ખેલ કરતા હતા. ઘટનાની રાત્રે પણ પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.
ઝઘડા બાદ રાત્રિના સમયે શાંતાબેન અને તેમની પુત્રી કારખાનામાં જ સુઈ ગયા હતા, જ્યારે બંને પુત્રો નજીકમાં આવેલી રૂમ પર સુવા માટે ગયા હતા. મોડી રાત્રે આશરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે પત્ની શાંતાબેન ભરઉંઘમાં હતા ત્યારે ઝઘડાની અદાવત અને ખાર રાખીને દારૂડિયા પતિ ભૂરાભાઈ કટારાએ તેમના માથામાં ઘણનો સખત પ્રહાર કરી દીધો હતો. હુમલો કર્યા બાદ અવાજ થતાં અને દેકારો મચી જતાં આરોપી પતિ ઘટનાસ્થળેથી અંધારાનો લાભ ઉઠાવીને તાત્કાલિક ભાગી છૂટ્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલા શાંતાબેનને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર દરમિયાન ટૂંકી જિંદગી હારી ગયા હતા અને તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. મહિલાના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાઈ ગયો હતો.
આ ઘટનાની શરૂઆતમાં એક ટ્વિસ્ટ જોવા મળ્યો હતો. ઘટનાથી અજાણ એવા મૃતકના પુત્ર વિનોદભાઈ કટારાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી ખાતે પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવ્યું હતું કે, તેમની માતા રાત્રે કારખાનામાં કોલસાની ચક્કી પાસે કામ કરી રહ્યા હતા ત્યારે ચક્કીમાંથી પથ્થર ઉડીને વાગતાં આ ઈજા પહોંચી હતી. પરંતુ સવારે પુત્રીએ સત્ય હકીકત જણાવતાં મામલો હત્યાનો હોવાનું બહાર આવ્યું હતું. પુત્રીએ સ્પષ્ટ કર્યું કે પિતાએ રાત્રે ઝઘડો કરીને માતા સુતેલી હતી ત્યારે માથામાં ઘણ મારી દીધો હતો. પુત્રી દ્વારા સત્ય જણાવ્યા બાદ પુત્ર વિનોદને પણ સાચી ઘટનાની જાણ થઈ હતી.
હાલ આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને ભાગી છૂટેલા આરોપી પતિ ભૂરાભાઈ કટારાને ઝડપી પાડવા અને ઘટના અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


