ચોમાસુ હાલ સુરત પાસે સ્થિર થયું: હવામાન વિભાગહવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હાલ સુરત નજીક સ્થિર થયું છે અને આગામી 3થી 4 દિવસમાં તે આગળ વધે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
પોરબંદરઃ મોહરમના તહેવાર પર એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ
પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં મોહરમના ઝૂલુસ દરમિયાન એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. વિવાદ દરમિયાન એક જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. તેઓ સવારે ગાંધીનગરમાં ‘ભારત ટેક્સી’ના શુભારંભ પ્રસંગે હાજરી આપશે અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ, સંકલન અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજશે. સાંજે અમદાવાદના શાહીબાગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે અને ત્યારબાદ રાણીપ ખાતે આયોજિત લોકદરબારમાં પણ ઉપસ્થિત રહેશે.


