રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. 24 કલાક ધમધમતા ઔદ્યોગિક વિસ્તાર વચ્ચે આવેલા શાપર ગામમાં તસ્કરોએ એક વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રે અંદાજે 12:30 વાગ્યાના સમયે 5 થી 7 જેટલા શખ્સો મોઢા પર બુકાની બાંધીને જયવીરસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં ઘૂસી આવ્યા હતા. ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ વૃદ્ધને બંધક બનાવી દીધા હતા અને ઘરમાં રહેલી રોકડ રકમ તેમજ કિંમતી દાગીનાની શોધખોળ શરૂ કરી હતી. તસ્કરોએ અંદાજે ₹2 કરોડ 47 લાખની રોકડ રકમ, 7 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાનની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે.
લૂંટની ઘટના બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સવારે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગોંડલ ડીવાયએસપી, રાજકોટ ગ્રામ્ય એસપી, સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ફોરેન્સિક ટીમ દ્વારા સ્થળ પરથી વિવિધ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
પ્રાથમિક તપાસમાં પોલીસ વિવિધ દિશામાં તપાસ આગળ વધારી રહી છે. તસ્કરોને ઘરમાં આટલી મોટી રકમ હોવાની માહિતી કેવી રીતે મળી, તેમણે અગાઉથી રેકી કરી હતી કે કેમ, તેમજ આ સમગ્ર ઘટનામાં કોઈ આંતરિક વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દાઓ પણ તપાસના કેન્દ્રમાં છે.
શાપર જેવા વ્યસ્ત અને ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. કરોડો રૂપિયાની રોકડ અને દાગીનાની લૂંટ બાદ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ માટે આ કેસ પડકારરૂપ બન્યો છે અને આરોપીઓને ઝડપી પાડી લૂંટાયેલો મુદ્દામાલ પરત મેળવવા માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં ઘટનાનો ભેદ ઉકેલાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


