હળવદ તાલુકાના રાયધ્રા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે સવારે વધુ એક મોરનું વીજલાઈનના કરંટની ઝપેટમાં આવતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ગામલોકોના જણાવ્યા મુજબ ગઈકાલે પણ બે મોરના વીજકરંટ લાગવાથી મોત થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ પવનચક્કી કંપની દ્વારા મોરના વસવાટ વિસ્તારમાં પંચાયતની યોગ્ય મંજૂરી લીધા વગર વીજલાઈન ઊભી કરવામાં આવી છે. આ વીજલાઈનો મોર માટે જીવલેણ સાબિત થઈ રહી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન અત્યાર સુધીમાં આશરે 15 જેટલા મોરના કરંટ લાગવાથી મોત થઈ ચૂક્યા હોવાનું પણ ગામલોકો જણાવી રહ્યા છે.
વારંવાર મોરના મોતની ઘટનાઓ સામે આવતાં વન વિભાગ તેમજ સંબંધિત તંત્ર સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોએ તાત્કાલિક અસરથી જોખમી વીજલાઈન હટાવી મોરના જીવ બચાવવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. સાથે જ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.


