શુક્રવાર, જૂન 19, 2026

ઈ-પેપર

શુક્રવાર, જૂન 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટપેલેસ રોડના જૈન દેરાસરમાં 43 લાખથી વધુની ચોરીનો પર્દાફાશ, દેરાસરનો જ કર્મચારી...

પેલેસ રોડના જૈન દેરાસરમાં 43 લાખથી વધુની ચોરીનો પર્દાફાશ, દેરાસરનો જ કર્મચારી નીકળ્યો આરોપી

રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા જૈન દેરાસરમાં થયેલી રૂ. 43.29 લાખની ચોરીના કેસમાં એ-ડિવિઝન પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. દેરાસરના સ્ટ્રોંગ રૂમમાંથી ચાંદી અને રોકડ રકમની ચોરી કરનાર કોઈ બહારનો શખ્સ નહીં પરંતુ દેરાસરમાં ઓફિસ બોય તરીકે કામ કરતો કર્મચારી જ હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ કેસમાં તનુ આમેટા, આદિત્ય ઉર્ફે આદિ ભીમરાવ રામ અને સંદીપસિંહ રાઠોડ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 22 મેના રોજ દેરાસરના સ્ટ્રોંગ રૂમમાં રાખેલા કબાટમાંથી 13.840 કિલો ચાંદીના ચોરસા અને સિક્કાઓ તેમજ રૂ. 8 લાખની રોકડ રકમ મળી કુલ રૂ. 43.29 લાખની ચોરી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ એ-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

તપાસ દરમિયાન ઓફિસ બોય તનુ આમેટાની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટ્યો હતો. તનુએ પોતાના બે સાગરિતોની મદદથી ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તનુ આમેટાને રાજસ્થાન, આદિત્યને ઉત્તરાખંડ અને સંદીપસિંહને રાજકોટમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ. 33.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે બાકીના મુદ્દામાલની શોધખોળ અને કેસમાં અન્ય કોઈની સંડોવણી અંગે વધુ તપાસ ચાલુ છે. લાખો રૂપિયાની આ ચોરીનો ભેદ ઉકેલાતા શહેરમાં પોલીસની કામગીરી ચર્ચાનો વિષય બની છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર