શનિવાર, જૂન 6, 2026

ઈ-પેપર

શનિવાર, જૂન 6, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાતને મળ્યા નવા પોલીસ વડા: જ્ઞાનેન્દ્ર સિંહ મલિક બન્યા રાજ્યના નવા DGP

ગુજરાતને મળ્યા નવા પોલીસ વડા: જ્ઞાનેન્દ્ર સિંહ મલિક બન્યા રાજ્યના નવા DGP

ગાંધીનગર, 6 જૂન: ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યના પોલીસ વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (IPS) ની રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ એન્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે નિમણૂક જાહેર કરી છે. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર તેઓ તાત્કાલિક અસરથી આ સર્વોચ્ચ જવાબદારી સંભાળશે.

વર્ષ 1993 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક હાલ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે તેમને ગુજરાત રાજ્યના ખાલી પડેલા DGP કેડર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે, જે રાજ્યના પોલીસ દળમાં સર્વોચ્ચ હોદ્દો માનવામાં આવે છે.

સરકારના આદેશ મુજબ મલિકને પે મેટ્રિક્સના એપેક્સ સ્કેલ લેવલ-17 હેઠળ રૂ. 2.25 લાખ (ફિક્સ) ના પગાર ધોરણ સાથે આ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક અંગેનું જાહેરનામું ગાંધીનગર સ્થિત સચિવાલયમાંથી ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. અંજુ શર્મા દ્વારા રાજ્યપાલશ્રીના આદેશ અને તેમના નામે બહાર પાડવામાં આવ્યું છે.

રાજ્યના કાયદો અને વ્યવસ્થા જાળવવા, પોલીસ દળના આધુનિકીકરણ અને સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો માટે હવે જ્ઞાનેન્દ્ર સિંહ મલિક રાજ્યના પોલીસ વડા તરીકે માર્ગદર્શન આપશે. તેમની નિમણૂકને ગુજરાત પોલીસ તંત્ર માટે એક મહત્વપૂર્ણ વહીવટી બદલાવ તરીકે જોવામાં આવી રહી છે.

વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ ઉચ્ચ સ્તરીય નિમણૂકની જાણકારી રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો તેમજ વરિષ્ઠ અધિકારીઓને મોકલી આપવામાં આવી છે, જેથી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે.

ગુજરાત પોલીસના નવા વડા તરીકે જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની નિમણૂક સાથે રાજ્યના પોલીસ તંત્રને નવા નેતૃત્વ અને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર