રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. શહેરની વનતારા સ્નૂકર કલબમાં યુવકો વચ્ચે થયેલી મારામારીનો બનાવ સામે આવ્યો છે. ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
માહિતી મુજબ, ગાડીના સ્નેપ મૂકવા બાબતે બે પક્ષ વચ્ચે શરૂઆતમાં બોલાચાલી થઈ હતી. જો કે થોડા જ સમયમાં મામલો ઉગ્ર બનતા યુવકો વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ હતી. ગાડીના માલિક યુવકે “મારી ગાડીની સ્નેપ કેમ ઉતારી?” કહી અન્ય યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
મારામારી દરમિયાન એક યુવકને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્નૂકર કલબમાં હાજર અન્ય લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાક્રમની માહિતી એકત્ર કરી સંડોવાયેલા યુવકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.


