સુરેન્દ્રનગર જિલ્લામાં યુટ્યુબરને દારૂનું સેવન કરતી રીલ બનાવવી ભારે પડી છે. ધાંગધ્રાના કંકાવટી ગામના એક યુટ્યુબરે દારૂ પીતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના પગલે પોલીસ હરકતમાં આવી હતી. તપાસ દરમિયાન યુટ્યુબરે વીડિયોમાં દારૂ તરીકે જીરા સોડાનો ઉપયોગ કર્યાની કબૂલાત કરી હતી. પાંચ લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા આ યુટ્યુબરના વીડિયોથી નશાને પ્રોત્સાહન મળતું હોવાનું માની પોલીસે તેની પાસે જાહેરમાં માફી મંગાવી. સાથે જ, ભવિષ્યમાં નશાકારક કે નશાને પ્રોત્સાહન આપતા કોઈ પણ પ્રકારના વીડિયો ન બનાવે તે માટે યુટ્યુબર પાસેથી બાહેંધરી લેવાઈ હતી.
ઉત્તર ભારતમાં ધુમ્મસનો કહેર યથાવત્
ઉત્તર ભારતમાં ધુમ્મસનો કહેર યથાવત્ રહેતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. દિલ્લી સહિત અનેક રાજ્યોમાં ઘન ધુમ્મસને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રાજધાની, દૂરંતો સહિતની મહત્વની એક્સપ્રેસ ટ્રેનો 6 થી 13 કલાક સુધી મોડી ચાલી રહી છે, જેમાં ખાસ કરીને દિલ્લી-હાવરા રૂટની ટ્રેનો પર વધુ અસર જોવા મળી રહી છે. ટ્રેનો મોડું ચાલવાના કારણે હજારો મુસાફરો સ્ટેશનો પર ફસાયા છે અને તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રેલવે વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનો ધીમી ગતિએ ચલાવવામાં આવી રહી છે, જેના કારણે વિલંબ વધ્યો છે.


