ટીઆરપી કાંડ બાદ રાજકોટનો વિકાસ પાછળ ધકેલાયો : સ્ટેન્ડિંગ કમિટીએ સુચવેલી અને તત્કાલિન કમિશનરે બજેટમાં દર્શાવેલી અનેક યોજનાઓના હજી શ્રીગણેશ પણ થયા નથી: મનપાની આર્થિક સ્થિતિ પણ જવાબદાર
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં ગત 25 મે 2024ના દિવસે બનેલા ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડની ઘટનાની દુરોગામી અસર આજે પણ રાજકોટ મહાનગરપાલિકા અને શહેરીજનો ભોગવી રહ્યા હોય તેમ, મહાનગરપાલિકાના 2024-25ના બજેટમાં દર્શાવાયેલી અનેક યોજનાઓના હજી શ્રીગણેશ પણ થયા નથી. તત્કાલિન કમિશનરે સુચવેલી યોજનાઓ અને સ્ટેન્ડિંગ કમિટીએ સુચવેલી 18 યોજનાઓમાંથી અનેક યોજનાઓ હજી અધ્ધરતાલ છે.બીજી તરફ વર્ષ 2025-26ના બજેટની નવનિયુક્ત કમિશનર તુષાર સુવેરાએ અભ્યાસ શરૂ કરી દીધો છે. અને સંભવત: આગામી અઠવાડિયે મકરસંક્રાંતિ બાદ બજેટની મેરેથોન મિટિંગ પણ શરૂ કરી દેવાશે. એક તરફ વર્તમાન પદાધિકારીઓનો કાર્યકાળ આ વર્ષે પુરો થઇ રહ્યો છે. અને બીજી તરફ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ પણ એક સાંધે ત્યાં તેર તુટે જેવી છે ત્યારે આગામી બજેટ કમિશનર માટે અગ્નિપરીક્ષા સમાન સાબીત થાય તેમ છે. કેમકે, પદાધિકારીઓ મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાને લઇને શહેરીજનોને અનેક યોજનાઓની ભેંટ આપી ચૂંટણીમાં લાભ લેવાનો પ્ર્રયાસ કરશે ત્યારે બીજી બાજું વર્ષ 2024-25ની યોજનાઓને જ આગળ ધપાવવી કે નવી યોજનાઓ સામેલ કરીને મહાનગરપાલિકા પર આર્થિક બોજ વધારવો એ મુદ્દો કમિશનરને મુંઝવશે. ટીઆરપી કાંડ બાદ રાજકોટનો વિકાસ દસ વર્ષ પાછળ ધકેલાઇ ગયો હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ટીઆરપી કાંડ બાદ તત્કાલિન કમિશનર આનંદ પટેલની તાત્કલિક અસરથી બદલી કરીને રાજ્ય સરકારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના સીઇઓ દેવાંગ દેસાઇને કમિશનરપદે બેસાડી દીધા હતા. પણ તેઓના કાર્યકાળમાં વિકાસ યોજનાઓને બ્રેક લાગી ગઇ હતીે. જેના પર શહેરના વિકાસની જવાબદારી છે તેવા સિટી ઇજનેરો પર ટાઉનપ્લાનિંગની વધારાની કામગીરી થોપી દઇને શહેરના વિકાસને બ્રેક મારી દેવાઇ હતી. અધિકારીઓ અને કર્મચારીઓની અવાર નવાર આંતરિક બદલીઓ કરાતા કોઇ અધિકારી કે કર્મચારી તેમના વિભાગમાં સેટ થાય તે પહેલા ફરીથી બદલી કરી નખાતી હોય આવી કાર્ય પ્રણાલીથી કંટાળેલા મહાનગરપાલિકાના 18 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ રાજીનામા આપી દીધા છે. આ કારણે 2024-25ના બજેટની અનેક યોજનાઓ શરૂ થઇ નથી કે આગળ વધી નથી. આની અસર વર્ષ 2025-26ના બજેટમાં પણ દેખાશે.
મનપાની આર્થિક સ્થિતિ પણ નબળી
વર્ષ 2024-25ના બજેટમાં મહાનગરપાલિકા દ્વારા આવકનો જે અંદાજ મુકવામાં આવ્યો હતો એ અંદાજ પણ પુરો થઇ શક્યો નથી. નાણાંકિય વર્ષ પુરૂ થવા આડે હવે અઢી મહિના જ રહ્યા છે પણ 35 ટકા ખર્ચ પણ થયો નથી. ટીઆરપીકાંડ બાદ અધિકારીઓની નિર્ણય લેવાની ક્ષમતામાં ‘ભયજનક’ ધટાડો થયો છે. આ કારણે પણ વિકાસકામોને બ્રેક લાગી છે. બીજી બાજું મહાનગરપાલિકાએ આવકના જે અંદાજ મુક્યા હતા એ પુરા થયા નથી. આમાં જમીન વેંચાણ માટે રૂ. 465 કરોડનો લક્ષ્યાંક હતો તેની સામે આવક શુન્ય છે. મિલકતવેરાનો લક્ષ્યાંક 410 કરોડ સામે ગઇકાલ સુધીમાં રૂ. 334.08 કરોડની આવક થઇ છે.વ્યવસાય વેરાના રૂ.35 કરોડનો લક્ષ્યાંક પુરો કરવામા હજી ઘણું છેટું છે. આવી જ રીતે એફએસઆઇની આવકના રૂ. 180 કરોડના લક્ષ્યાંક સામે હજી માત્ર 68 કરોડની જ આવક થઇ છે.
ટીપીઓને રસ નથી, જમીન ફાળવણીના વાંકે અનેક પ્રોજેક્ટ અટક્યા
ટીઆરપી કાંડ બાદ સાગઠિયાની જગ્યાએ ઇન્ચાર્જ તરીકે આવેલા સંતકુમાર પંડ્યાને રાજકોટમાં રસ નહોય તેમ કામગીરીમાં નિષ્ક્રિય છે. જમીન ફાળવણી માટે તત્કાલિન કમિશનર દેસાઇએ સંતકુમાર પંડ્યાને એકહથ્થુ સત્તા આપી દીધા બાદ જમીન ફાળવણી ન થવાથી અનેક પ્રોજેક્ટ અટકયા છે.તેમાં મહાનગરપાલિકાની સાઉથઝોન કચેરીનો પણ સમાવેશ થાય છે. અલબત હવે સ્ટેન્ડિંગ ચેરમેને આ યોજના આગળ વધારવા અગ્રતા આપવા સુચન ર્ક્યું છે.
એક વર્ષમાં ત્રણ કમિશનરો બદલાયા
ટીઆરપી કાંડ પછી ગત મે મહિનાથી ડિસેમ્બર માસ એટલે કે, આઠ મહિનાના ગાળામાં રાજકોટમાં ત્રણ મ્યુનિસિપલ કમિશનર બદલાયા છે. ટીઆરપી કાંડ બાદ આનંદ પટેલની બદલી, તેમના અનુગામી તરીકે આવેલા દેવાંગ દેસાઇની ડિસેમ્બરમાસમાં બદલી થઇ હતી આ પછી આવેલા તુષાર સુમેરાએ મહાનગરપાલિકાના વિકાસરથની બાગડૌર સંભાળી છે. પણ, નાણાંકિય વર્ષ પુરૂં થવા આડે હવે માત્ર બે મહિના રહ્યા છે. નવા વર્ષનું બજેટ સામાન્યરીતેે જાન્યુઆરી અંતમાં રજુ થાય છે અને સ્ટેન્ડિંગ કમિટી તેનો તલસ્પર્શી અભ્યાસ કરીને સુધારા વધારા સાથે ફેબ્રુઆરીના પહેલા પખવાડિયામાં ફાઇનલ બજેટ આપે છે. એટલે હવે જુની યોજનાઓની જાહેરાત કરવા માટે બહું લાંબો સમય રહ્યો નથી. 19 ડિસેમ્બરે કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ લીધો એ પછી દોઢ મહિનાના ગાળામાં જ તેમના પર મહાનગરપાલિકાના બજેટની મહત્વની જવાબદારી આવી છે.