શુક્રવાર, નવેમ્બર 13, 2026

ઈ-પેપર

શુક્રવાર, નવેમ્બર 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયહોર્મુઝ સંકટથી સરકાર સફાળી જાગી, ઓરિસ્સામાં રૂ. 8,571 કરોડના ખર્ચે બનશે નવો...

હોર્મુઝ સંકટથી સરકાર સફાળી જાગી, ઓરિસ્સામાં રૂ. 8,571 કરોડના ખર્ચે બનશે નવો ઓઇલ રિઝર્વ

દેશમાં પેટ્રોલ-ડીઝલની તંગી ન સર્જાય તે માટે 4 મિલિયન ટન ક્રૂડ ઓઇલ સંગ્રહ ક્ષમતા ઉમેરવામાં આવશે

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : અમેરિકા-ઈરાન યુદ્ધને પગલે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઉભા થયેલા વિક્ષેપને પગલે ભારતે પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. ભારત સરકારે ઓરિસ્સાના ચંડીખોલ ખાતે દેશનો સૌથી મોટો વ્યૂહાત્મક ક્રૂડ ઓઇલ રિઝર્વ વિકસાવવા માટે ખાનગી રોકાણકારોને આમંત્રણ આપ્યું છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 8,571 કરોડ છે અને તે દેશની વર્તમાન વ્યૂહાત્મક સંગ્રહ ક્ષમતામાં 80% નો વધારો કરશે.

દેશમાં ઓઇલ રિઝર્વ વધારવા માટે સરકાર દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ ઓરિસ્સાના ચંડીખોલની નવી ફેસિલિટી બનાવવા નક્કી કર્યું છે જેમાં 4 મિલિયન ટન ક્રૂડ ઓઇલ સંગ્રહિત કરવાની ક્ષમતા હશે.સરકાર આ પ્રોજેક્ટ માટે રૂ. 5,142 કરોડ સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે. ટેન્ડર દસ્તાવેજો મુજબ જે બોલી લગાવનાર સૌથી ઓછી ગ્રાન્ટની માંગ કરશે તેને આ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી, 2027 રાખવામાં આવી છે.

ચંડીખોલ પ્રોજેક્ટ ઉપરાંત, સરકાર વિશાખાપટ્ટનમ ખાતે કાર્યરત તેના વ્યૂહાત્મક ઓઇલ રિઝર્વની લગભગ અડધી સંગ્રહ ક્ષમતા (અંદાજે 5,24,000 ટન) 3 વર્ષ માટે ભાડે આપવાની પણ યોજના ધરાવે છે. જેના માટે બિડ સબમિટ કરવાની અંતિમ તારીખ 1 ડિસેમ્બર, 2026 છે. પશ્ચિમ એશિયાના તેલ ઉત્પાદકો ઈરાન યુદ્ધને કારણે ઉભા થયેલા શિપિંગ બોટલનેકથી બચવા માટે આ પ્રદેશની બહાર સ્ટોરેજ વિકલ્પો શોધી રહ્યા છે, અને યુએઈ પહેલેથી જ ભારતમાં વધુ ક્રૂડ સ્ટોર કરવાનો ઈરાદો વ્યક્ત કરી ચૂક્યું છે.

મહત્વનું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અચાનક વિક્ષેપને કારણે ભારતનો લગભગ 40% ક્રૂડ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી રિફાઇનરીઓને ઊંચા ભાવે અન્ય વિકલ્પો શોધવાની ફરજ પડી હતી. ભારત અત્યાર સુધીમાં પ્રથમ તબક્કા હેઠળ વિશાખાપટ્ટનમ, મેંગલુરુ અને પાડુરમાં રૂ. 4,098 કરોડના ખર્ચે 5.03 મિલિયન ટન ક્ષમતાની ત્રણ સ્ટોરેજ ફેસિલિટી બનાવી ચૂક્યું છે. આ નવો પ્રોજેક્ટ ભારતને આંતરરાષ્ટ્રીય બજારની અનિશ્ચિતતાઓ સામે એક મોટું કવચ પૂરું પાડશે. 

સંબંધિત સમાચાર

તાજા સમાચાર