બીઝનેસ વિસ્તારવાની ઘેલછામાં વેપારી વિષચક્રમાં ફસાયો; સિક્યુરિટી પેટે મકાનની ફાઈલો, કોરા ચેક અને થાર કાર પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ખુલાસો
રાજકોટ : રાજકોટના ગોંડલ રોડ પર આવેલા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને કોઠારિયા રોડ પર ‘શુભમ એન્ટરપ્રાઇઝ’ નામે હાર્ડવેરનું કારખાનું ચલાવતા વેપારી વિરેન્દ્ર શ્રીદિપા ચૌહાણ વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ જતાં ચકચાર મચી ગઈ છે. ધંધાનો વિકાસ કરવા અને નવા સીએનસી મશીનની ખરીદી કરવા માટે બેંકમાંથી લોન પાસ ન થતાં આર્થિક કટોકટીમાં મુકાયેલા કારખાનેદારે અનિચ્છાએ વ્યાજખોરોનો સંપર્ક કર્યો હતો.
જોકે, ધંધો વધારવાની આ આશા ટૂંક સમયમાં જ તેમના માટે આર્થિક ફાંસો બની ગઈ હતી. હાથઉછીના નાણાં આપવાના બહાને આરોપીઓએ ગેરકાયદે લખાણો કરાવી, બેંકના કોરા ચેક, મિત્રો તથા સગાં-સંબંધિઓનાં મકાનોની ફાઈલો ગીરવે મુકાવી લીધી હતી અને બાદમાં પઠાણી ઉઘરાણી શરૂ કરી માલિકીની થાર કાર પણ બળજબરીથી પડાવી લીધી હતી. આ ગંભીર મામલે આખરે પીડિત વેપારીએ હિમ્મત દાખવીને ૭ વ્યાજખોરો સામે પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
અંદાજે દોઢ વર્ષ પહેલાં શરુ થયેલા આ શોષણના સિલસિલામાં કારખાનેદારે અલગ-અલગ ૭ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજદારે નાણાં લીધા હતા. તેમણે સૌપ્રથમ મુસ્તકીમ અંસારી પાસેથી રૂ. ૨.૮૦ લાખ વ્યાજે લઈ મહિને રૂ. ૧૪ હજાર લેખે કુલ રૂ. ૨.૧૦ લાખ વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ દિનેશ પટેલ પાસેથી રૂ. ૭ લાખ વ્યાજે મેળવી રૂ. ૨.૫૨ લાખ વ્યાજ પેટે આપ્યા હતા, જ્યારે તેણે રૂ. ૫ લાખનું ગેરકાયદે લખાણ પણ કરાવી લીધું હતું. આ સિવાય મુકેશ ગઢવી પાસે મકાનની ફાઈલ ગીરવે મૂકી રૂ. ૮ લાખ લઈ રૂ. ૧.૬૦ લાખ વ્યાજ ચૂકવ્યું હતું. અમૃત ઉર્ફે અમિત શાહ પાસેથી રૂ. ૭.૫૦ લાખ મેળવી પ્રતિ માસ રૂ. ૧.૫૦ લાખ જેવું મંજૂર ન થઈ શકે તેવું ભારે વ્યાજ ચુકવવામાં આવ્યું હતું. તેવી જ રીતે પ્રમોદ ચૌહાણ પાસે મકાનની ફાઈલ મૂકી રૂ. ૧૨ લાખ મેળવ્યા હતા અને રૂ. ૨.૮૮ લાખ વ્યાજ પેટે ભરી દીધા હતા.
આ વ્યાજખોરીનો ત્રાસ એટલેથી અટક્યો નહોતો; નાગરાજ ધાંધલ નામના વ્યાજખોરે રૂ. ૨ લાખ આપી દૈનિક રૂ. ૫,૦૦૦ પ્રોફિટના નામે રૂ. ૧.૭૫ લાખ વસૂલી લીધા બાદ પણ ટેલિફોનિક ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. આ ઉપરાંત, શક્તિ જાડેજાની ફાઇનાન્સ પેઢીમાંથી રૂ. ૨.૫૦ લાખ લીધા હતા, જે પેટે રૂ. ૩૦,૮૦૦ ચૂકવ્યા હોવા છતાં સમયસર રકમ ન ભરાતાં વેપારીની કિંમતી થાર કાર બળજબરીથી પડાવી લેવામાં આવી હતી. મૂળ રકમ કરતાં વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી દીધા છતાં પણ વ્યાજખોરોની ઉઘરાણી, ધમકીઓ અને મિલકતો પચાવી પાડવાની દાદાગીરી ચાલુ રહેતાં આખરે પોલીસે તમામ ૭ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


