(આઝાદ સંદેશ) રાજકોટ : રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના સુવ્યવસ્થિત વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ અંતર્ગત રાજ્યના પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળો ખાતે દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યભરના વિવિધ ૧૦ મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ માટે કરોડો રૂપિયાના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
:- ગોંડલ તાલુકાના ઐતિહાસિક અનળગઢ કિલ્લા તેમજ મહાકાળી માતાજીના મંદિરની આજુબાજુના પરિસરના વિકાસ માટે રૂ. ૫.૦૬ કરોડની રકમ મંજૂર કરાઈ
:- વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ખાતે ચેહર માતા મંદિર પાસે મહીસાગર નદી કિનારે ઘાટ નિર્માણ, વોક-વે, પેવર બ્લોક, રેલિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરવા અર્થે રૂ. ૩.૩૧ કરોડની રકમની સૈધ્ધાંતિક મંજૂરી
:- કચ્છના અંજાર ખાતે ‘ડેવલપમેન્ટ ઓફ ગોવર્ધન પર્વત’ ની મહત્વકાંક્ષી કામગીરી માટે રૂ. ૧૨.૯૮ કરોડના વિકાસકામોને મંજૂરી
:- મહેસાણાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે હાઈ માસ્ટ પોલ, સ્ટ્રીટ લાઈટ પોલ, લાઈટિંગ વાયરિંગ, ઓપન ડ્રેનેજ તથા કર્બ બીમ જેવા પાયાના કામો માટે રૂ. ૫૦ લાખની મંજૂરી
:- વલસાડના ધરમપુર સ્થિત શ્રી ગોરા રામજી મંદિરના પ્રથમ માળ અને છતના રિપેરિંગ, પ્લાસ્ટર, કલર કામ, જી.શીટ તેમજ ફ્લોરિંગ સહિતના સમારકામ માટે ટેક્સ સાથે રૂ. ૧૮.૯૧ લાખ મંજૂર
:- નવસારીના વાંસદા ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં શ્રી રામચંદ્રજી મંદિર, હનુમાનજી મંદિર, પ્રદક્ષિણા પથ, એન્ટ્રન્સ ગેટ, લેન્ડસ્કેપિંગ, કમ્પાઉન્ડ વોલ, સમ્પ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાયબ્રેરી સહિતના સર્વાંગી વિકાસ કામો માટે રૂ. ૫.૦૩ કરોડની મંજૂરી
:- અમદાવાદના બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે આવેલા શ્રી જોધલપીર મંદિરના ભવ્ય નવનિર્માણ અને પરિસરના અન્ય આનુષંગિક વિકાસ કાર્યો માટે કુલ રૂ. ૨૧.૭૫ કરોડની માતબર રકમના કામોને વહીવટી મંજૂરી
:- ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે આવેલા શ્રી વરદાયિની માતાજી મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસ તેમજ યાત્રાળુઓની ઉત્કૃષ્ટ સુવિધાઓ અર્થે રૂ. ૩૫ કરોડના વિકાસ કામોને મંજૂરી
:- ગ્રેટર ગીર વિસ્તારમાં પ્રવાસનને નવી ઊંચાઈઓ આપવા ‘આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ’ અંતર્ગત વિવિધ મહત્વના સ્થળો ખાતે પ્રવાસનલક્ષી વિકાસ કામો હાથ ધરવા માટે રૂ. ૪૬.૯૧ કરોડના અંદાજિત ખર્ચને મંજૂરી


