બુધવાર, ઓક્ટોબર 7, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 7, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટની સોની બજારમાં દાગીના બનાવવા વેપારીએ આપેલું રૂ.1.05 કરોડનું સોનું બીજો વેપારી...

રાજકોટની સોની બજારમાં દાગીના બનાવવા વેપારીએ આપેલું રૂ.1.05 કરોડનું સોનું બીજો વેપારી ઓળવી ગયો

જાગનાથ પ્લોટમાં રહેતા ભાવિકભાઈ શાહ (ઉ.વ.44) સાથે પાંચેક વર્ષથી ધંધો કરતાં અમીન માર્ગ ઉપર તપોવન સોસાયટીમાં રહેતા શ્યામ પટણીને 653 ગ્રામ ફાઇન સોનું આપેલું હોય તે લઈ ફરાર થઇ ગયો : ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો

રાજકોટ : રાજકોટના સુપ્રસિદ્ધ સોની બજાર વિસ્તારમાં વેપારી સાથે રૂ.1.05 કરોડની કિંમતના સોનાની ઠગાઈનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. દાગીના બનાવવાનો ઓર્ડર આપી સોંપાયેલું 653 ગ્રામથી વધુ ફાઇન સોનું પરત ન આપી વેપારીએ હાથ ઊંચા કરી દીધા હતા. આ મામલે પીડિત વેપારીએ રાજકોટ શહેરના ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

​ઘટનાની વિગતો મુજબ, રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ પાર્શ્વ વિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને સોની બજારમાં બોઘાણી શેરી પાસે ‘આર.પી. ઓર્નામેન્ટસ’ નામની વેપારી પેઢી ધરાવતા ભાવિકભાઈ જયેશભાઈ શાહ (ઉં.વ. 44) સોના-ચાંદીનો વેપાર કરે છે. તેઓ પોતાની પેઢીનો તમામ વહીવટ પાવર ઓફ એટોર્ની હોલ્ડર તરીકે સંભાળે છે. ભાવિકભાઈ છેલ્લા પાંચેક વર્ષથી સોની બજારમાં પેલેસ રોડ પર જયરાજ પ્લોટના ખૂણે આવેલી ‘એમ.એસ ઓરેએટ’ નામની વેપારી પેઢી સાથે નિયમિત સોની કામનો ધંધાકીય વ્યવહાર ધરાવતા હતા.

​આ પેઢી ‘એમ/એસ ઓરેએટ’ તરફથી તમામ નાણાકીય અને માલસામાનનો વહીવટ અમીન માર્ગ પર આવેલી તપોવન સોસાયટીમાં રવિ મેનોર એપાર્ટમેન્ટ ખાતે રહેતા શ્યામભાઈ સુરેશભાઈ પટણી કરતા હતા. વર્ષ 2022થી ચાલતા આ ધંધાકીય સંબંધો દરમિયાન ભાવિકભાઈ શ્યામભાઈને વિવિધ ડિઝાઇનના દાગીના બનાવવા માટે કાચું કે ફાઇન સોનું આપતા હતા. શ્યામભાઈ પણ નિયત સમયમર્યાદામાં ઓર્ડર મુજબ દાગીના તૈયાર કરી પરત સોંપી જતા અને બદલામાં મજૂરી મેળવતા હતા. આ લાંબા સમયના સફળ વ્યવહારને લીધે બંને વચ્ચે ઊંડો અને ગાઢ વિશ્વાસ કેળવાયો હતો.

​આ ગાઢ વિશ્વાસનો અયોગ્ય લાભ ઉઠાવી ગત તારીખ 2 સપ્ટેમ્બર 2026ના રોજ એક મોટો ખેલ પાડવામાં આવ્યો હતો. ભાવિકભાઈ શાહની પેઢીમાંથી આરોપી શ્યામભાઈ પટણીને ઓર્ડર મુજબ અલગ-અલગ મિશ્ર ડિઝાઇનના સોનાના દાગીના બનાવવા માટે વાઉચર નંબર કેઆઈએસ-95 હેઠળ કુલ 656.810 ગ્રામ સોનું સોંપવામાં આવ્યું હતું. આ સોનામાં 653.526 ગ્રામ ફાઇન સોનું (999% શુદ્ધતા) અને 55.092 ગ્રામ અલોયનો સમાવેશ થતો હતો. આ સોનાની વર્તમાન બજાર કિંમત આશરે રૂ.1,05,00,000 (રૂપિયા એક કરોડ પાંચ લાખ) જેટલી થવા જાય છે.

​જ્યારે દાગીના બનાવીને આપવાની નક્કી કરેલી સમયમર્યાદા વીતી ગઈ છતાં શ્યામભાઈ પટણી તરફથી કોઈ માલ પરત આવ્યો ન હતો. આથી ભાવિકભાઈએ અવારનવાર શ્યામભાઈનો સંપર્ક કરી તૈયાર દાગીના અથવા મૂળ ફાઇન સોનું પરત માંગવાનું શરૂ કર્યું હતું. પરંતુ આરોપી દ્વારા સતત અવનવા ખોટા બહાના બતાવી સમય પસાર કરવામાં આવતો હતો. અંતે શ્યામભાઈએ સોનું પરત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતાં અને હાથ ઊંચા કરી લેતાં, ભાવિકભાઈને પોતાની સાથે મોટો વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો ચોક્કસ અહેસાસ થયો હતો.

​પાંચ વર્ષ જૂના વેપારી સંબંધોનો ગેરલાભ ઉઠાવી રૂ.1.05 કરોડનું સોનું ઓળવી જવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થતાં ભાવિકભાઈ શાહે આખરે પોલીસનો આશરો લીધો હતો. તેમણે રાજકોટ શહેરના ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી શ્યામભાઈ સુરેશભાઈ પટણી વિરુદ્ધ લિખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 316(5) હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવા બદલ ગુનો દાખલ કર્યો છે.

​હાલ આ ચર્ચાસ્પદ અને કરોડો રૂપિયાની છેતરપિંડીના મામલે ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.આર. ચાવડાએ તપાસનો દોર પોતાના હાથમાં લીધો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા તેમજ ઓળવી ગયેલું કરોડો રૂપિયાનું ફાઇન સોનું રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સોની બજારના મુખ્ય વેપારી મથકે બનેલી આ ઘટનાથી સમગ્ર શહેરના ઝવેરીઓ અને સોના-ચાંદીના વેપારી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ચકચાર મચી ગઈ છે.  

સંબંધિત સમાચાર

તાજા સમાચાર