માઈક્રોસોફ્ટ 365 ની સેવાઓમાં ખામીને કારણે ઈમેલ અને મેસેજિંગમાં ભારે મુશ્કેલી, 1.30 લાખથી વધુ યુઝર્સે નોંધાવી ફરિયાદ
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટની સેવાઓમાં મોટી ટેકનિકલ ખામી સર્જાતા દુનિયાભરના લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. માઇક્રોસોફ્ટની ક્લાઉડ બેઝ્ડ સર્વિસ માઇક્રોસોફ્ટ 365 ના સર્વરમાં ખામીને કારણે આઉટલુક, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આસિસ્ટન્ટ કોપાઈલટ સહિતના અનેક પ્લેટફોર્મ પ્રભાવિત થયા છે.માઈક્રોસોફ્ટની સેવાઓમાં ખામી સર્જાતા સમગ્ર વિશ્વમાં અફરાતફરી મચી ગઈ હોવાનું સામે આવ્યું છે.
માઈક્રોસોફ્ટ કંપનીની સેવાઓમાં ખામીની શરૂઆત 12 નવેમ્બરથી થઈ હતી. મોટાભાગની કંપનીઓ અને કર્મચારીઓ તેમના રોજેરોજના કામકાજ માટે માઈક્રોસોફ્ટ 365 પર નિર્ભર હોવાથી આઉટેજની સૌથી વધુ અસર તેમના પર જોવા મળી છે. યુઝર્સે આઉટલુક પર ઈમેલ ન ખૂલવા, નવા મેસેજ મોકલવામાં કે મેળવવામાં મુશ્કેલી પડવાની ફરિયાદો કરી છે. આ ઉપરાંત ટીમ્સ અને એઆઈ આધારિત કોપાઈલટના કેટલાક ફીચર્સ પણ ખોરવાઈ ગયા છે. સાથે જ આઉટેજ ટ્રેક કરતી વેબસાઈટ ડાઉન ડિટેક્ટરના રિપોર્ટ અનુસાર,આઉટલુકને લગતી ફરિયાદોમાં એકાએક જંગી ઉછાળો આવ્યો હતો અને એક સમયે ફરિયાદોની સંખ્યા 1.30 લાખને પાર પહોંચી ગઈ હતી. જોકે, આ માત્ર નોંધાયેલી ફરિયાદોનો આંકડો છે, એટલે કે ખરેખર પ્રભાવિત થયેલા યુઝર્સની સંખ્યા આનાથી ઘણી વધુ હોઈ શકે છે.
માઇક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર, તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અમુક હિસ્સા પર અચાનક સામાન્ય કરતાં ઘણો વધારે લોડ આવી ગયો હતો. કેટલાક સર્વર અચાનક ઓફલાઈન થઈ જતાં બાકીના સર્વર પર ભારે દબાણ આવ્યું હતું, જેના કારણે કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ હતી. તપાસમાં સામે આવ્યું કે પ્રભાવિત સર્વર પર સુરક્ષિત કનેક્શન બનાવવાની પ્રક્રિયા અતિશય લોડના કારણે બંધ પડી ગઈ હતી.ખામીઓ સામે આવ્યા બાદ માઈક્રોસોફ્ટ દ્વારા સર્વર રિસ્ટાર્ટ કરવા અને ટ્રાફિકને ડાયવર્ટ કરવા જેવા પગલાં લીધા છે. પરંતુ જે સર્વર રિસ્ટાર્ટ કરીને ઓનલાઇન લાવવામાં આવ્યા, તે ટ્રાફિક વધતા ફરીથી પ્રતિસાદ આપવાનું બંધ કરી રહ્યા હતા. 13 નવેમ્બરની સવાર સુધી પણ કેટલીક સેવાઓમાં અડચણ યથાવત હોવાનું જાણવા મળ્યું છે, અને કંપની સિસ્ટમને ફરીથી સ્ટેબલ કરવાના પ્રયાસો કરી રહી છે.


