મૂળ રાજસ્થાનના વતની અને શોઇંગ મશીનની દુકાન ચલાવતાં અશોક રાઠોડ (ઉ.વ.38)એ વર્ષ 2018થી ધંધા, બહેનના લગ્ન અને માતાની સારવાર માટે જયેશ ભૂત પાસેથી કટકે કટકે વ્યાજે રકમ લીધી’તી : બનેવીનું અવસાન થતાં વતન જવાનું હોવાથી દુકાન બંધ રહેતા નાણાં ચૂકવી શક્યા ન’તા : વ્યાજની રકમ મેળવવા જયેશ ધરાર વેપારના રૂપિયા ઝુંટવી જતો’તો અને યુવાનની દીકરી અંગે વાંધાજનક મેસેજ કરતો’તો : છેલ્લે છ ચેકમાં ૪-૪ લાખની રકમ ભરી લઈ જતાં યુવાને ફરિયાદ નોંધાવી : પોલીસે આરોપીની કરી ધરપકડ
(આઝાદ સંદેશ), રાજકોટ: જેતપુરમાં રહેતો રાજસ્થાની યુવાન વ્યાજંકવાદમાં ફસાયો હતો. ધંધા, બહેનના લગ્ન અને માતાની સારવાર માટે કટકે કટકે લીધેલા રૂ.૨૪ લાખના રૂ.૪૧ લાખ ચૂકવ્યા છતાં આ શખસ ધમકી આપતો હતો. છેલ્લે ચેકમાં ૪-૪ લાખની રકમ ભરી લઈ જતાં યુવાને અંતે ફરિયાદ નોંધાવતા જેતપુર સીટી પોલીસે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી વ્યાજખોરની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, જેતપુરના જાગૃતીનગરમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોર આગળ રહેતાં અશોકભાઈ દિપચંદભાઈ રાઠોડ (ઉ.વ.૩૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયેશ દિનકરાય ભૂત (રહે. સ્પેસ સ્કૂલ પાસે,જેતપુર) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે જેતપુર મામલતદાર કચેરી સામે જય અશોક શોઇંગ મશીન નામની દુકાન ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં ત્રણ દિકરીઓ તથા એક દિકરો છે. તેમનું વંતન રાજસ્થાન છે.
વર્ષ ૨૦૧૮ માં માર્ચ મહિના સુધીમાં તેમને દુકાન માટે તથા બહેનના લગ્ન કરવામાં તેમજ માતાના દવાખાનાના ખર્ચને પહોચી વળવા રૂપિયાની જરૂરીયાત પડતા જયેશ ભુત પાસેથી કટકે કટકે રૂ.૨૪ લાખ માસીક ૨ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. તે જયેશને દર માસે રૂ.૪૮ હજાર વ્યાજ ચુકવતો હતો. બાદ મોટી બહેન શોભનાબેનને તેના પતિ છગનલાલ સાથે બનતુ ના હોય જેથી બહેન તેની બે દિકરી તથા એક દિકરાને લઈ તેઓ સાથે રહેવા આવતી રહેલ હતી. જેથી આ લોકોના ભરણપોષણની જવાબદારી પણ તેમના ઉપર આવી ગઇ હતી.
બાદ તેઓ આરોપીને સમયસર વ્યાજ ચુકવી ન શકતા તે વ્યાજની ઉઘરાણી કરતા અને વ્યાજના પૈસાની વ્યવસ્થા ન થાય તો ગાળો આપતો હતો. વર્ષ ૨૦૨૪ માં જયેશ દુકાને આવી કહ્યું હતું કે, મારા વ્યાજના રૂપીયા તથા મુળ રકમ ગમે ત્યાંથી અત્યારે આપો તેમ કહી યુવાન તથા પિતા દિપચંદભાઈને ગાળો આપી હતી.બાદમાં યુવાનની પેઢીના કુલ છ ચેકમાં રૂ.૪. લાખ બળજબરીથી રકમ ભરાવી પિતાની સહી કરી લઈ ગયો હતો.
ત્યારબાદ દરેક માસે રેગ્યુલર રૂ.૪૮ હજાર વ્યાજ જયેશને કોઈ પણ રીતે ચુકવી આપતો હતો. બાદ વર્ષ ૨૦૨૫ ના મે મહિનામાં યુવકની મોટી બહેન શોભનાબેનના પતિ છગનલાલનું વનતમાં મારબલની ખાણમાં પડી જવાથી અવસાન થતા આશરે ૪૫ દિવસ સુધી વતન આમનેર ગામ રાજસ્થાનમાં ગયા હતા.
જેથી આ જયેશ વર્ષ ૨૦૨૫ ના જુન મહિનામાં વોટસએપથી મેસેજ કરતો હતો કે, તારી છોકરીને મારી પાસે મોકલ, હું મારા પૈસા વસુલ કરી લઇશ, અને તારી છોકરી નાની હોય તો તારી ભાણકીને મોકલી દે. આ રીતે ત્રાસ આપતો હતો. આશરે દશેક દિવસ પહેલા જયેશે દુકાને આવી કહ્યું હતું કે, મારા રૂ. ૨૪ લાખ આપી દે, જેથી તેને પાસે પૈસા નથી તેમ વાત કરતા તેને દુકાનનુ ખાનુ ખોલેલ અને કહેલ કે, આ પૈસા પડ્યા છે. જેથી તેને કહેલ કે, રૂ.પાંચ હાજર બે દિવસનો વેપાર છે. જે પાંચ હજાર બળજબરી કરી ગાળો આપી લઇ ગયો હતો. ફરીયાદીએ રૂ.૨૪ લાખનુ અત્યાર સુધીમાં રૂ.૪૧ લાખ વ્યાજ ચુકવી આપેલ છે, તેમ છતા પેઢીના મળી કુલ છ ચેકમાં રૂ.૪-૪ લાખ બળજબરીથી રકમ ભરાવી, પિતાની સહિ કરી લઇ ગયેલ હોય અંતે યુવાને આ ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના આધારે રૂરલ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ કરી હતી અને તેના પાસેથી કુલ 10 જેટલા ચેક કબજે કર્યા હતા. જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી છે કે હજુ કોઈ આ વ્યાજખોરથી ત્રસ્ત હોય તો તે તુરંત પોલીસનો સંપર્ક કરે અને ફરિયાદ નોંધાવે.


