પાંચ દિવસ પૂર્વે ૫૬ વર્ષીય રિક્ષાચાલક ઇકબાલભાઈ જૂનાગઢીની સામું જોવા જેવી સામાન્ય બાબતે લોખંડના પાઇપ વડે નિર્મમ હત્યા કરાઈ’તી : જેલમાંથી છૂટેલા મૂર્ઘા ગેંગના સાગરીત શાહનવાઝે બહાર આવતા જ ગુનો આચરતા જામીન રદ કરવા પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરશે : તમામ આરોપીઓને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવવા ઘટનાસ્થળે લઈ જવાયા : આરોપીઓને જોવા ટોળા ઉમટ્યા, પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યું
રાજકોટ : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં માત્ર સામે જોવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ ૫૬ વર્ષીય રિક્ષાચાલક ઇકબાલભાઈ ઇબ્રાહીમભાઈ લોધી (ઉર્ફે જૂનાગઢી) પર લોખંડના પાઇપ વડે હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. આ સનસનાટીભર્યા હત્યાકાંડનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે સંયુક્ત કામગીરી કરીને ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગોવા અને રાજકોટમાંથી કુલ ચાર આરોપીઓની અટકાયત કરી લીધી છે, જ્યારે કેસનો મુખ્ય સૂત્રધાર દાનિશ પોલીસ પકડથી દૂર હોય આખરે તેને પણ દબોચી લેવાયો છે.
પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ગોવાથી પકડેલો આરોપી શાહનવાઝ વેતરણ કુખ્યાત સમીર ઉર્ફે ‘મૂર્ઘા ગેંગ’નો સક્રિય સાગરીત છે. તેની સામે અગાઉ આર્મ્સ એક્ટ, ગુજસીટોક, રાયોટીંગ અને જીવલેણ હુમલા જેવા કુલ છ ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી શાહનવાઝ તાજેતરમાં જ ગત ૨૯ સપ્ટેમ્બરના રોજ પાલનપુર સેન્ટ્રલ જેલમાંથી ગુજસીટોકના ગુનામાં જામીન પર મુક્ત થયો હતો અને જેલમાંથી બહાર આવ્યાના ગણતરીના દિવસોમાં જ ૩ ઓક્ટોબરની રાત્રે ફરી આ હત્યાના ગુનામાં સામેલ થયો હતો.
ઘટનાની વિગત મુજબ, ગત ૩ ઓક્ટોબરની રાત્રે ઇકબાલભાઈએ પોતાના મોટા પુત્ર સોહિલને ફોન કરીને જંગલેશ્વરમાં રહેતા દાનિશ અમીન સાથે ઝઘડો થયો હોવાની અને કોઈ પોલીસ કેસ થયો છે કે નહીં તે તપાસવાની જાણ કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે ૧:૧૫ વાગ્યા આસપાસ ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે આવેલા નિસ્બત પાન પાસે ઇકબાલભાઈ લોહીલુહાણ અને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આરોપીઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. તપાસ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી શાહનવાઝ વેતરણ અને અબઝલ મકરાણીની ગોવા ખાતેથી ધરપકડ કરી છે, જ્યારે ભક્તિનગર પોલીસે અન્ય બે આરોપીઓ સુફિયાન આરબ અને રિયાઝને ઝડપી પાડ્યા છે. હત્યામાં સંમેલિત આરોપી શાહનવાઝે જામીન મુક્ત થયા બાદ તુરંત જ ગુનો આચર્યો હોવાથી પોલીસે તેના ગુજસીટોકના જામીન રદ કરાવવા કોર્ટમાં રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ જૂનાગઢના વતની અને ગોંડલ ચોક નજીક રહેતા ૫૬ વર્ષીય મૃતક ઇકબાલભાઈ લોધી રિક્ષા ચલાવીને પોતાના ચાર દીકરા સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પત્ની જિન્નતબેનની તબિયત નાજુસ્ત રહેતી હોવાથી તેઓ હાલ ઊના નજીક ઊંઝા દાતાર બાપુની જગ્યાએ રહે છે. મૃતક વિસ્તારમાં પોતાની ભલીભોળી છાપ અને મહેનતુ સ્વભાવ માટે ઓળખાતા હતા, ત્યારે આ અચાનક બનેલી ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
આ ઘટનામાં પોલીસે તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને બનાવ સ્થળે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. આરોપીઓને જોવા માટે બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.


