શુક્રવાર, સપ્ટેમ્બર 18, 2026

ઈ-પેપર

શુક્રવાર, સપ્ટેમ્બર 18, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયખાનગી હોસ્પિટલો મેડિકલ સાધનોમાં લૂંટ ચલાવતી હોવાનો ઘટસ્ફોટ : સામાન્ય વસ્તુઓ પર...

ખાનગી હોસ્પિટલો મેડિકલ સાધનોમાં લૂંટ ચલાવતી હોવાનો ઘટસ્ફોટ : સામાન્ય વસ્તુઓ પર 2,841% સુધીનો નફો

રૂ.11માં મળતો બાટલો ચડાવવા માટેના આઇવીએફ સેટના હોસ્પિટલ 325 રૂપિયા વસુલે છે : મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર પાસે માર્ગદર્શિકા બનાવવાની માંગ કરી

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દેશભરની હોસ્પિટલના બિલોમાં દર્દીઓ પાસેથી મેડિકલ સાધનો અને વપરાશની વસ્તુઓ પર ભારે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો ઘટસ્ફોટ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જથ્થાબંધ બજારમાં માત્ર 11 રૂપિયામાં મળતા આઈવી ઇન્ફ્યુઝન સેટના હોસ્પિટલોમાં 325 રૂપિયા હોય છે, જ્યારે 7 રૂપિયાથી ઓછી કિંમતની ડિસ્પોઝેબલ સિરીંજ પર 60 રૂપિયાની કિંમતનું ટેગ લગાવેલું હોય છે. આ રીતે સામાન્ય વપરાશની તબીબી વસ્તુઓ પર 2,841% જેટલો જંગી નફો લેવામાં આવી રહ્યો હોય દર્દીઓને લુંટમાંથી બચાવવા કેન્દ્ર સરકાર સમક્ષ માર્ગદર્શિકા બનાવવા માંગણી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તુકારામ મુંઢેએ આ મુદ્દે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે દવાઓના ભાવ ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર, 2013′ હેઠળ નિયંત્રિત છે, પરંતુ મોટાભાગના મેડિકલ ડિવાઇસ અને કન્ઝ્યુમેબલ્સ પર કોઈ નિયંત્રણ નથી. તેમણે કેન્દ્ર સરકારને ખરીદ કિંમત અને જાહેર કરાયેલી મેક્સિમમ રિટેઇલ પ્રાઈઝ વચ્ચેના તફાવતને નિયંત્રિત કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવાની અપીલ કરી છે. અગાઉ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના વિશ્લેષણમાં પણ સામે આવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો સાવ નજીવી કિંમતે સાધનો ખરીદે છે અને દર્દીઓ પાસેથી ઊંચી છાપેલી કિંમત વસૂલે છે.

સરકારે અગાઉ કાર્ડિયાક સ્ટેન્ટ્સ, ઘૂંટણના ઈમ્પ્લાન્ટ્સ અને કોવિડ દરમિયાન પલ્સ ઓક્સિમીટર જેવી વસ્તુઓના ટ્રેડ માર્જિન પર મર્યાદા લગાવી હતી. સ્થાનિક ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ સિરીંજ અને આઈવી સેટ જેવી સામાન્ય વસ્તુઓ માટે 75% અને પેસમેકર જેવા મોંઘા ઉપકરણો માટે 50% માર્જિન મર્યાદા નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલોની નફાખોરીને કારણે યોગ્ય કિંમતે વેચાણ કરતી પ્રામાણિક કંપનીઓ કાં તો સ્પર્ધામાંથી બહાર ધકેલાઈ જાય છે અથવા હોસ્પિટલોની ગેરવાજબી માંગણીઓ સામે ઝૂકવા મજબૂર બને છે. બીજી તરફ, મલ્ટીનેશનલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા મેડિકલ ટેક્નોલોજી એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પણ માર્જિન રેશનાલાઇઝેશન માટેની મહારાષ્ટ્ર એફડીએની માંગને પોતાનું સમર્થન આપ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર