અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીના પ્રારંભિક મતદાન વચ્ચે મધ્યપૂર્વમાં રહેતા નાગરિકો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ઈરાન-અમેરિકા વચ્ચે ગત ફેબ્રુઆરી માસથી ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં વસવાટ કરતા પોતાના નાગરિકો માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકી પ્રશાસને ચેતવણી આપી છે કે વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ ઝડપથી બગડી રહી છે. ઈરાન પર ફરી અમેરિકા દ્વારા સંભવિત હુમલા કરવાની અટકળો તેજ બની છે. અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીના પ્રારંભિક મતદાન વચ્ચે આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
ઓમાન સ્થિત અમેરિકી દૂતાવાસે ચેતવણી આપી છે કે ઈરાન સમર્થિત સંગઠનો સમગ્ર વિસ્તારમાં હિંસા ફેલાવી શકે છે. અમેરિકી નાગરિકોને ફ્લાઈટ્સ રદ થવા અને હવાઈ માર્ગો બંધ થવાની સંભાવનાઓને પગલે સતર્ક રહેવા જણાવાયું છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન અને તેના સમર્થક જૂથો વિદેશમાં અમેરિકી નાગરિકો, વ્યવસાયો અને સંસ્થાઓને નિશાન બનાવી શકે છે.અમેરિકી મીડિયા સીએનએનના રિપોર્ટ અનુસાર, અમેરિકન સેનાએ ઈરાન સામે હુમલાના નવા વિકલ્પો તૈયાર કર્યા છે. જેમાં મધર ઓફ ઓલ બોમ્બ્સ તરીકે ઓળખાતા વિનાશક શસ્ત્રનો ઉપયોગ પણ સામેલ હોઈ શકે છે.દરમિયાન, ઇઝરાયેલની ચૂંટણીઓ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પોતાનું સમર્થન આપ્યું છે.
સામે પક્ષે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ચીમકી આપી છે કે જો અમેરિકા અને ઈઝરાયેલ આગ સાથે રમવા માંગતા હોય, તો તેહરાન પણ તેના માટે તૈયાર છે.મહત્વનું છે કે, સાઉદી અરેબિયા પર હુથી વિદ્રોહીઓના હુમલાઓને ધ્યાનમાં રાખીને પણ અમેરિકાએ વિશેષ એડવાઈઝરી જારી કરી છે. તાજેતરના મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે સાઉદીના મુખ્ય એરપોર્ટ પર ફ્લાઈટ્સ મોડી પડી રહી છે અથવા બંધ છે. આ સ્થિતિને જોતા સાઉદીમાં કામ કરતા અમેરિકન સરકારી કર્મચારીઓને કોઈપણ એરપોર્ટનો ઉપયોગ કરતા પહેલા ચીફ ઓફ મિશન પાસેથી વિશેષ પરવાનગી લેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.


