સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પેકેજમાંથી હટાવવાની યોજના: સરકારી હોસ્પિટલોને મજબૂત કરવાનો અને ખર્ચ ઘટાડવાનો ઉદ્દેશ્ય
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થીઓ માટે એક મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં જ 112 પ્રકારની બીમારીઓ અને ઓપરેશનની પાંચ લાખ સુધીની મફત સારવાર માત્ર સરકારી હોસ્પિટલોમાં જ કરવામાં આવશે. નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા ખાનગી હોસ્પિટલોને આ પેકેજમાંથી બાકાત રાખવા માટે રાજ્યોને દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે.જો કે, નવી યોજના લાગુ થશે તો ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોને ખાનગી હોસ્પિટલમાં સારવારને બદલે સરકારી હોસ્પિટલોમા જ સારવાર લેવી પડશે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના ડેપ્યુટી સેક્રેટરી ડો. શૈલેષ દ્વારા તમામ રાજ્યોના સ્ટેટ હેલ્થ ઓથોરિટીને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે 23 પેકેજો પહેલાથી જ સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત કરી દેવામાં આવ્યા છે, જ્યારે વધુ 89 પેકેજોને 1 ડિસેમ્બર, 2026 થી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમમાં લાગુ કરવામાં આવશે. જોકે, રાજ્યોને આ પેકેજો ખાનગી હોસ્પિટલોમાંથી હટાવવા કે નહીં તેનો નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે.આ 112 પેકેજોમાં ગાયનેક, જનરલ સર્જરી, માનસિક રોગ, જનરલ મેડિસિન, ઓર્થોપેડિક્સ, ઇએનટી અને આંખના રોગોનો સમાવેશ થાય છે. વિશેષરૂપે, હાઇ-રિસ્ક ડિલિવરી, મોતિયો, સિસ્ટ, બાયોપ્સી, ફ્રેક્ચર, મેલેરિયા, હેપેટાઇટિસ, બાળકોની દાનીનું ઓપરેશન અને માનસિક તણાવ જેવી બીમારીઓ માટે લાભાર્થીઓએ હવે સરકારી હોસ્પિટલનો જ સંપર્ક કરવો પડશે.
નિષ્ણાતોના મતે આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ખાનગી હોસ્પિટલો પર થતા ખર્ચને ઘટાડવાનો અને સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત કરવાનો છે. ગુજરાત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં આ વ્યવસ્થા અંશતઃ પહેલાથી જ લાગુ છે, જેને હવે રાષ્ટ્રીય સ્તરે એકસમાન બનાવવાનો પ્રયાસ છે.બીજી તરફ, ડોક્ટરો સામે ખોટી સારવારની ફરિયાદ કરવાના નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે. હવે દર્દીઓએ 10 રૂપિયાના સોગંદનામા પર ફરિયાદ કરવાની રહેશે, જે માટે તેમને પૈસા પણ ચૂકવવા પડશે.


