ગુરુવાર, જુલાઇ 9, 2026

ઈ-પેપર

ગુરુવાર, જુલાઇ 9, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટના 40 લોકોનું ફોરેન ટ્રીપનું બુકીંગ કરી ટુર ઓપરેટર અને એજન્ટ રૂ.7.59...

રાજકોટના 40 લોકોનું ફોરેન ટ્રીપનું બુકીંગ કરી ટુર ઓપરેટર અને એજન્ટ રૂ.7.59 લાખ લઈ છૂમંતર

રાજકોટ : ​રાજકોટમાં સિંગાપોર પ્રવાસના નામે આચરવામાં આવેલી એક મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 40 જેટલા લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે.કાલાવડ રોડ રૂડા-2માં સદગુરુનગરમાં રહેતા ફરિયાદી ક્રિષ્નાબેન રાવલિયા અને તેમના પરિવાર સહિત કુલ 40 લોકો સિંગાપોર પ્રવાસ માટે પસંદ થયા હતા, પરંતુ ટ્રાવેલ એજન્ટોની બેદરકારી અને વિશ્વાસઘાતને કારણે આ સપનું અધૂરું રહ્યું છે.તેમના કુલ રૂ.7.59 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદીએ પોલીસને જણાવ્યા મુજબ, તેમને ઈન્સ્ટાગ્રામ દ્વારા ‘સ્લેડિંગ હોલિડે પ્રાઈવેટ લિમિટેડ’ના સંચાલક અજયભાઈ જગદીશભાઈ દેવળિયાનો સંપર્ક થયો હતો. આ કંપની ટ્રાવેલ, એર ટિકિટ, હોટલ બુકિંગ અને વિઝાનું કામ કરતી હોવાનો દાવો કરતી હતી. ફરિયાદીના માતા જે કંપનીમાં ‘કાયા પલટ’ ના નામથી સુપર સ્ટોકિસ્ટ તરીકે કાર્યરત હતા, તે કંપની દ્વારા તેમના સેલ્સ ટાર્ગેટ પૂર્ણ કરવા બદલ સિંગાપોર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ વિશ્વાસમાં આવીને અજયભાઈ દેવળિયા મારફતે ટિકિટ અને વિઝા માટે વાત કરી હતી, જેમાં અજયભાઈએ તેમને અન્ય એજન્ટોની સરખામણીએ ઘણી સસ્તી ટિકિટ અને વિઝા કરી આપવાનું પ્રલોભન આપ્યું હતું.

​કુલ 40 વ્યક્તિઓના વિઝા અને એર ટિકિટના કામ માટે ફરિયાદી અને તેમના પરિવારે કુલ રૂ. 7,59,350 ની રકમ નક્કી કરી હતી.આ રકમ ફરિયાદીએ અજયભાઈ દેવળિયા, દિપભાઈ રમેશભાઈ માલવિયા અને સિદ્ધાર્થ પિનાકીનભાઈ બારોટના અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. શરૂઆતમાં તો આરોપીઓએ વિશ્વાસમાં રાખ્યા હતા, પરંતુ સમય વીતતા પેમેન્ટ કર્યા બાદ પણ ટિકિટ કે વિઝા ન મળતા ફરિયાદીએ સતત ફોન દ્વારા સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ તરફથી સતત ખાતરી આપવામાં આવતી હતી કે પ્રવાસની તારીખ પહેલા ટિકિટ અને વિઝા મળી જશે. જોકે, જ્યારે પ્રવાસની તારીખ નજીક આવી ત્યારે અજયભાઈએ વિઝા નામંજૂર થયા હોવાનું ખોટું બહાનું કાઢ્યું હતું. જ્યારે ફરિયાદીએ વિઝા રિજેક્શનના સત્તાવાર દસ્તાવેજો કે ઈમેલ માંગ્યા, ત્યારે આરોપીઓ ગોળ-ગોળ જવાબ આપીને સમય પસાર કરતા હતા અને ત્યારબાદ તેમણે પોતાના ફોન બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો.

​આ સમગ્ર ઘટના બાદ ઠગાઈનો ભોગ બનેલી ક્રિષ્નાબેન રાવલિયાએ રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી, જેના આધારે ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં અજયભાઈ જગદીશભાઈ દેવળિયા અને દિપભાઈ રમેશભાઈ માલવિયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર