સાસરા માંથી “તું મરી કેમ જતી નથી” તેવું કહેતા માઠું લાગી આવતા શિતલ પરમાર(ઉ.વ.૩૬)એ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો’તો
રાજકોટ : રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમલગ્નના ૧૮ વર્ષ બાદ પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનો અને તેને આત્મહત્યા કરવા મજબૂર કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ રામપાર્ક શેરી નંબર ૪, રીંગરોડ બાયપાસ ખાતે પોતાના ભાઈના ઘરે રહેતી ૩૬ વર્ષીય શીતલબેન વિશાલભાઈ પરમારે પોતાના પતિ વિશાલ અમરશીભાઈ પરમાર અને સાસુ લાભુબેન અમરશીભાઈ પરમાર સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી શીતલબેને આશરે ૧૮ વર્ષ પહેલાં વિશાલ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ આશરે ૧૩ વર્ષ સુધી સંયુક્ત પરિવારમાં રહેતાં શીતલબેન કારખાનામાં મજૂરી કામ કરીને પોતાનો તમામ પગાર સાસુને સોંપી દેતા હતા. પરંતુ આ પ્રેમલગ્ન સાસુ લાભુબેનને પ્રથમથી જ મંજૂર ન હોવાથી અવારનવાર ગૃહકલેશ ઊભો કરવામાં આવતો હતો અને જો શીતલબેન કામે ન જાય તો તેમને જમવાનું પણ આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ કરાયો છે.શીતલબેન પોતાના પતિ સાથે અલગ મકાનમાં રહેવા ગયા બાદ પણ સાસુની દખલગીરી ચાલુ રહી હતી. ગત દિવાળીના સમયથી એટલે કે ૨૦ ઓક્ટોબર ૨૦૨૫થી પતિ વિશાલે નાની-નાની બાબતોમાં ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. પતિ ઘરખર્ચ માટે પૈસા આપતો ન હતો અને અવારનવાર દારૂ પીને ઘરે આવીને શીતલબેન સાથે મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આ દરમિયાન સાસુ લાભુબેન પોતાના પૌત્રને ફોન કરીને શીતલબેનની કમાણી અને રહેણીકરણીની બાબતો પૂછ્યા કરતા હતા અને પતિને શીતલબેન વિરુદ્ધ સતત ખોટી ચડામણી કરતા હતા. ગત ૧૭ મે ૨૦૨૬ના રોજ પતિ વિશાલે દારૂના નશામાં આવી શીતલબેન પર હુમલો કરી “હવે તને મારી જ નાખવી છે” તેવી ધમકી આપીને ઘર છોડીને જતો રહ્યો હતો અને ત્યારબાદ પરત આવ્યો ન હતો.પતિ ઘર છોડીને ચાલ્યો ગયા બાદ શીતલબેન પોતાના બે પુત્રો (ઝૈનીથ – ૧૭ વર્ષ અને વંશ – ૧૧ વર્ષ) ના પાલનપોષણ માટે બ્યુટી પાર્લરનું કામ કરતા હતા. બ્યુટી પાર્લરના વ્યવસાય માટે તેમને પર્સનલ લોનની જરૂરિયાત હતી. તેમણે અગાઉ ખરીદેલા એક્ટિવા વાહનમાં પતિનો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોવાથી બેંક લોન પ્રક્રિયા માટેનો ઓટીપી પતિના ફોનમાં જતો હતો. આ ઓટીપી મેળવવાના કામ અર્થે તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બપોરે ચાર વાગ્યા આસપાસ શીતલબેન શિવધારા સોસાયટી શેરી નં. ૧ સ્થિત પોતાના સાસુના ઘરે ગયા હતા. ત્યાં સાસુ લાભુબેને તેમને અતિશય ગાળો આપી “તું મરી કેમ જતી નથી” કહી ભારે અપમાનિત કર્યા હતા. સાસુના કડવા વેણ અને પતિના સતત ત્રાસથી કંટાળીને શીતલબેને ત્યાં જ રાખેલ ફિનાઇલ પી લીધું હતું. બનાવ બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર મેળવ્યા બાદ પણ પતિ કે સાસુએ તેમની કોઈ ખબર-અંતર ન પૂછતાં, અંતે કંટાળીને શીતલબેને આજીડેમ પોલીસ મથકે પહોંચી આપવીતી જણાવી હતી.


