ભારતમાં જાપાની કંપની ટાકેડાની ક્યુંડેન્ગા વેક્સિનને મંજૂરી મળતા તામિલનાડુથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ભારતમાં ડેન્ગ્યુથી બચાવ માટે પ્રથમ વખત વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તમિલનાડુના તેનકાસી જિલ્લાના કડયનલ્લુર ખાતે પાયલટ પ્રોજેક્ટ તરીકે આ અભિયાન શરૂ થયું છે. આ અભિયાનની શરૂઆત બાદ સ્વાસ્થ્ય મંત્રી કે.જી. અરુણરાજે જણાવ્યું કે વેક્સિનના બે ડોઝ ત્રણ મહિનાના ગેપ પર આપવામાં આવશે. આ વેક્સિનથી ડેન્ગ્યુ સામે 80% સુધી સુરક્ષા મળી શકે છે. આ વેક્સિન ડેન્ગ્યુના ગંભીર લક્ષણોથી રક્ષણ કરે છે.
ડેન્ગ્યુ એક વાયરલ સંક્રમણ છે, જે સંક્રમિત એડીઝ એજિપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ થવા પર વધુ તાવ, માથાનો દુ:ખાવો, આંખો પાછળ દુ:ખાવો થાય છે. કેટલાક દર્દીઓમાં ડેન્ગ્યુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. જેનાથી શરીરમાં પ્લેટલેટ્સ ઘટવા લાગે છે. ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ પણ થાય છે, જે મૃત્યુનું કારણ બની શકે છે. ભારતમાં દર વર્ષે ડેન્ગ્યુના કેસ આવે છે. કેટલાક લોકોના મૃત્યુ પણ થાય છે. અત્યાર સુધી તેનાથી બચવા માટે કોઈ વેક્સિન નહોતી, પરંતુ થોડા મહિનાઓ પહેલા ભારતમાં જાપાની કંપની ટાકેડાની ક્યુંડેન્ગા વેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી.ગુજરાત સહિત સમગ્ર દેશમાં દર વર્ષે ડેન્ગ્યુના લાખો કેસ સામે આવે છે તેવામાં સરકાર દ્વારા ડેન્ગ્યુ સામે રક્ષણ માટે તામિલનાડુથી રસીકરણ ઝુંબેશનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટના આધારે આગળનો વેક્સિનેશન કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. મહત્વનું છે કે,
ક્યુંડેન્ગા વેક્સિન ડેન્ગ્યુ વાયરસના ચારેય સ્ટ્રેનથી બચવા માટે વિકસાવવામાં આવી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેને 4 થી 60 વર્ષની ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વેક્સિન ડેન્ગ્યુથી 80% સુધી રક્ષણ આપી શકે છે. વેક્સિન લાગ્યા પછી ડેન્ગ્યુથી થનારા ગંભીર લક્ષણોથી સરળતાથી બચાવ કરી શકાય છે.વેક્સિનમાં ડેન્ગ્યુ વાયરસના અત્યંત નબળા પાડેલા સ્વરૂપો હોય છે. આ વાયરસ સ્વસ્થ વ્યક્તિને બીમાર કર્યા વગર સંક્રમણ જેવી સ્થિતિ પેદા કરે છે. શરીર આ નબળા વાયરસને ઓળખે છે અને તેની વિરુદ્ધ એન્ટિબોડીઝ બનાવવાનું શરૂ કરે છે. જ્યારે એન્ટિબોડી બની જાય છે ત્યારે જો ક્યારેય વાયરસ શરીર પર હુમલો કરે છે તો તે તેને ઓળખીને ખતમ કરી નાખે છે.


