આંદોલનોને કારણે ટ્રાફિક અને ઇમરજન્સી મેડિકલ સેવાઓ ખોરવાય છે : વિદ્યાર્થી આંદોલનની હિંસા મામલે પણ સુપ્રીમમાં સુનાવણી
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દેશની રાજધાનીમાં આવેલા જંતર-મંતર પર પ્રદર્શનો અને આંદોલનોની વ્યવસ્થા અંગે દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે જંતર-મંતર હવે મોટા પ્રદર્શનો માટે યોગ્ય સ્થળ રહ્યું નથી, કારણ કે ત્યાં ભીડને કારણે આવવા-જવામાં ભારે મુશ્કેલી પડે છે અને ખાસ કરીને તબીબી સુવિધાઓ જેવી ઇમરજન્સી સેવાઓ પ્રભાવિત થાય છે.
કોક્રોચ જનતા પાર્ટીના આંદોલન બાદ દિલ્હીમાં ઉભી થયેલી સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલ અરજી બાદ સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠે આ મુદ્દાને અત્યંત ગંભીર ગણાવ્યો હતો. કોર્ટે સોલિસિટર જનરલને આ મામલે સરકાર તરફથી નિર્દેશો લેવા જણાવ્યું છે અને કેન્દ્રને નોટિસ પાઠવીને આ કેસની અલગથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.સુનાવણી દરમિયાન અરજદારના વકીલે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા બોલાવાયેલા ટાઉનહોલ અને પીએમ આવાસ તરફના માર્ચનો ઉલ્લેખ કર્યો હતો. વકીલે કોર્ટને વિનંતી કરી કે 20 જુલાઈ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થવું જોઈએ. જેના કડક જવાબમાં સીજેઆઈ સૂર્યકાન્તે સ્પષ્ટ કર્યું કે, પ્રશાસનને સારી રીતે ખબર છે કે સ્થિતિ કેવી રીતે સંભાળવી. જો તેઓ નિષ્ફળ જાય અને કોઈ ગરબડ થાય, તો તમે અમારી પાસે આવજો. અમને પૂરો ભરોસો છે કે તેઓ સ્થિતિ સંભાળી લેશે.
દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાને લગતી વિવિધ અરજીઓ પર પણ સુનાવણી હાથ ધરાઈ રહી છે. જેમાં ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે.આ અરજીઓમાં પોલીસ દ્વારા કરાયેલા કથિત વધુ પડતા બળપ્રયોગ, પેલેટ ગનના ઉપયોગ અને હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના મુદ્દાઓ સામેલ છે. નોંધનીય છે કે, અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાના સંકેત આપ્યા હતા. કોર્ટે ઘટનાના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા નિર્દેશ આપ્યો હતો અને તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપવાની સાથે એફઆઈઆરમાં નામજોગ વિદ્યાર્થીઓ સામે હાલ પૂરતી કોઈ કડક કાર્યવાહી ન કરવા પણ વચગાળાનો આદેશ આપ્યો હતો.


