આસારામ મામલે અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ મોકલી છે. કોર્ટે સરકારને ત્રણ અઠવાડિયામાં નોટિસનો જવાબ દાખલ કરવા જણાવ્યું છે. આસારામના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તે ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે, તેથી તેને શિયાળામાં ખાસ કાળજીની જરૂર છે.
જેલમાં સજા કાપી રહેલા આસારામ બાપુએ રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. બળાત્કારના કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અગાઉ તેણે તેની સજા સ્થગિત કરવા માટે સુરતની ટ્રાયલ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટમાં આસારામનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ દામા શેષાદ્રી નાયડૂએ કહ્યું હતું કે આસારામ અનેક ગંભીર બીમારીઓથી પીડિત છે.
તેમની તબિયત જરા પણ સારી નથી. આવી સ્થિતિમાં, તેને જેલમાંથી વચગાળાની મુક્તિ આપવી જોઈએ. નાયડુએ કહ્યું કે, વૃદ્ધાવસ્થા અને બીમારીઓના કારણે તેઓ ચાલી શકતા નથી. શિયાળા દરમિયાન ડોક્ટરોએ તેમને સલાહ આપી છે કે તેમને એવા રૂમમાં રાખવામાં આવે જ્યાં તેમની સુવિધા મુજબ તાપમાનને નિયંત્રિત કરી શકાય. તેના પર કોર્ટે ટકોર કરી હતી કે અગાઉ તમારી પસંદગીની હોસ્પિટલ ન હોવાના કારણે તમે આસારામની સારવાર કરી ન હતી અને ના પાડી દીધી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા વકીલે જવાબ આપ્યો કે અમે તેને બાયપાસ કે એલોપેથિક સારવાર આપી શકીએ નહીં, તેની સારવાર આયુર્વેદ દ્વારા જ કરવાની હોય છે.
ત્રણ અઠવાડિયાની અંદર સરકાર પાસેથી માંગવામાં આવ્યો જવાબ
સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ નોટિસનો જવાબ ત્રણ સપ્તાહમાં આપવા જણાવ્યું છે. આસારામને જાન્યુઆરી 2023માં ગુજરાતના ગાંધીનગરની સેશન્સ કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. તેના પર સુરત આશ્રમમાં એક મહિલા શિષ્યા પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો. સુનાવણી અને પુરાવાના આધારે તે આ કેસમાં દોષિત ઠર્યો હતો.
આસારામે આજીવન કેદની સજા સામે વચગાળાની મુક્તિની માંગ માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.