તપાસ માત્ર ભારતીય નિયમો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના નિયમો મુજબ થતી હોવાની સ્પષ્ટતા
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : અમદાવાદમાં 12મી જૂન 2025ના રોજ સર્જાયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતની તપાસ સાથે સંબંધિત રેકોર્ડ અને ખાસ કરીને કોકપિટ વોઇસ રેકોર્ડિંગ જાહેર કરી શકાય નહીં, કારણ કે પ્રવર્તમાન કાયદો આની મંજૂરી આપતો નથી. મહત્વનું છે કે, વિમાન દુર્ઘટના અંગેનો ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થવાની સંભાવના છે.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા સુપ્રીમકોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામા અનુસાર, તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી સંવેદનશીલ વિગતો કોઈપણ ત્રાહિત પક્ષ, બહારની સમિતિ કે સામાન્ય જનતા સાથે શેર કરી શકાશે નહીં. જેમ કે, કોકપીટ વોઇસ રેકોર્ડિંગ અને વિમાનની અંદરથી લેવાયેલા અન્ય વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ્સ. તપાસ દરમિયાન નોંધવામાં આવેલા સાક્ષીઓના નિવેદનો મહત્વના હોય છે.તપાસનીશ એજન્સીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે.વિમાન દુર્ઘટનાના તપાસ નિયમો, 2025ના નિયમ 17(5) હેઠળ, કોકપીટ વૉઇસ રેકોર્ડિંગ્સ અને ફ્લાઇટમાં રેકોર્ડિંગ્સ જાહેર કરવા પર કાનૂની પ્રતિબંધ છે.સાથે જ આ તપાસ માત્ર ભારતીય નિયમો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન ના અનુસૂચિ 13 અને શિકાગો કન્વેન્શન હેઠળ ચાલી રહી છે. આ તપાસનો હેતુ કોઈને ગુનેગાર સાબિત કરવાનો નથી, પરંતુ અકસ્માત પાછળના મૂળ કારણો શોધીને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવાનો છે.


