ટ્રમ્પના કડક વલણ પછી, બધા ઇઝરાયલી બંધકોની મુક્તિ સરળ બની ગઈ છે. હમાસના અધિકારી તાહિર અલ-નુનુએ જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન જૂથ ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન બાકીના તમામ બંધકોને એક જ સમયે મુક્ત કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી જ હમાસ પર કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું. ટ્રમ્પે આગ્રહ કર્યો કે હમાસે શક્ય તેટલી વહેલી તકે બધા ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા જોઈએ, નહીં તો તેને ખૂબ જ ખતરનાક પરિણામોનો સામનો કરવો પડશે. હવે હમાસના વરિષ્ઠ અધિકારી તાહિર અલ-નુનુએ કહ્યું છે કે પેલેસ્ટિનિયન જૂથ ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન બાકીના તમામ બંધકોને એક જ સમયે મુક્ત કરશે.
જે બાદ એવું સમજવામાં આવી રહ્યું છે કે આ ટ્રમ્પના કડક વલણનું પરિણામ હોઈ શકે છે. તાહિરે એમ પણ કહ્યું કે તેમણે આ નિર્ણય વિશે મધ્યસ્થીઓને જાણ કરી દીધી છે. “અમે મધ્યસ્થીઓને જાણ કરી છે કે હમાસ કરારના બીજા તબક્કા દરમિયાન બધા બંધકોને એકસાથે મુક્ત કરવા તૈયાર છે, અને પહેલા તબક્કાની જેમ તબક્કાવાર નહીં,” તાહિર અલ-નુનુએ કહ્યું. નુનુએ સ્પષ્ટતા કરી નથી કે શું હમાસ જૂથ મૃત બંધકોના મૃતદેહો પણ મુક્ત કરશે, જેમને ત્રીજા તબક્કામાં સ્થાનાંતરિત કરવામાં આવનાર છે.
કરારના બીજા તબક્કા મુજબ, યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે અને ઇઝરાયલે ગાઝામાંથી તેના તમામ સૈનિકો પાછા ખેંચવા પડશે. આ ઉપરાંત, ગાઝાના વિકાસ માટે કામ શરૂ થશે જેમાં બોમ્બમારાથી નાશ પામેલા પેલેસ્ટિનિયન ઇમારતોનું બાંધકામ શરૂ થશે અને ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવામાં આવશે.