ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને સ્થાપત્યનું પણ અનોખું પ્રતિક માનવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી સોમનાથના “હવામાં તરતા શિવલિંગ”ની ચર્ચા ફરી એકવાર જોર પકડી રહી છે. કહેવાય છે કે સદીઓ પહેલા સોમનાથ મંદિરમાં એવું શિવલિંગ સ્થાપિત હતું, જેને કોઈ આધાર વગર હવામાં સ્થિર રાખવામાં આવતું હતું.
પૌરાણિક માન્યતાઓ મુજબ સોમનાથ મંદિરનું નિર્માણ અલગ-અલગ યુગોમાં અલગ સામગ્રીથી થયું હતું. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ મળે છે કે સતયુગમાં ચંદ્રદેવે સોનાથી મંદિર બનાવ્યું, ત્રેતાયુગમાં રાવણે ચાંદીથી પુનઃનિર્માણ કરાવ્યું અને દ્વાપરમાં ભગવાન શ્રીકૃષ્ણે ચંદનના લાકડાથી મંદિરને ભવ્યતા આપી હતી. ત્યારબાદ સોલંકી રાજા ભીમદેવે પથ્થરો વડે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
ઈતિહાસકારોના મતે તે સમયનું શિવલિંગ સામાન્ય શિવલિંગ કરતાં કદમાં નાનું હતું અને તેને કોઈ આધાર ન હતો. કહેવાય છે કે તે મંદિરની મધ્યમાં હવામાં સ્થિર રહેતું હતું. 1026માં આક્રમણકારી એ સોમનાથ પર હુમલો કર્યો ત્યારે આ દૃશ્ય જોઈ તે પણ ચોંકી ગયો હતો. ફારસી ઇતિહાસકાર જકરિયાહ અલ કઝવિનીએ પોતાના લખાણોમાં ઉલ્લેખ કર્યો છે કે શિવલિંગને ન તો ઉપરથી લટકાવવામાં આવ્યું હતું અને ન તો નીચે કોઈ ટેકો હતો.
આ રહસ્ય પાછળ વિજ્ઞાન શું કહે છે તે પણ રસપ્રદ છે. અનેક સંશોધકોનું માનવું છે કે આ “મેગ્નેટિક લેવિટેશન” એટલે કે ચુંબકીય ઉત્તોલનનો પ્રયોગ હોઈ શકે. વૈજ્ઞાનિકો મુજબ જો શિવલિંગમાં આયર્ન અથવા નિકલ જેવા ચુંબકીય તત્વો રહેલા હોય અને મંદિરની છત તથા નીચે શક્તિશાળી ચુંબકો ગોઠવાયેલા હોય તો શિવલિંગ હવામાં સ્થિર રહી શકે.
આ સંદર્ભમાં કેટલાક સંશોધકોનું માનવું છે કે શિવલિંગ કોઈ સામાન્ય પથ્થર નહીં પરંતુ ઉલ્કાપિંડનો ભાગ હોઈ શકે. ઉલ્કાપિંડોમાં નિકલ અને આયર્નનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તેમાં પ્રબળ ચુંબકીય ગુણધર્મો જોવા મળે છે. કેટલીક થિયરી અનુસાર મંદિરના સ્તંભો અને આસપાસના ભાગોમાં “બિસ્મથ” જેવા ડાયમેગ્નેટિક પદાર્થોનો ઉપયોગ થયો હોઈ શકે છે, જે હવામાં સંતુલન જાળવવામાં મદદરૂપ બનતા હતા.
જ્યારે ગઝનવીના સૈનિકોએ શિવલિંગની તપાસ કરી ત્યારે તેઓએ ભાલા ફેરવીને તપાસ કરી હતી કે ક્યાંક કોઈ આધાર તો નથી ને. કહેવાય છે કે બાદમાં મંદિરની છતમાંથી કેટલાક પથ્થરો દૂર કરાતા શિવલિંગ એક તરફ ઝુકવા લાગ્યું હતું. આ ઘટનાને આધારે દાવો કરવામાં આવે છે કે છતમાં રહેલા ચુંબકીય પથ્થરો જ શિવલિંગને હવામાં સ્થિર રાખતા હતા.
હાલांकि, ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોમાં આ મુદ્દે એકમત નથી. કેટલાક નિષ્ણાતો આ વાતને દંતકથા અને લોકવાર્તાનો ભાગ માને છે, જ્યારે કેટલાક સંશોધકો માને છે કે પ્રાચીન ભારતમાં ચુંબકીય વિજ્ઞાન અંગે અદ્ભુત જ્ઞાન હતું. સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય ચર્ચાઓમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર પુરાતત્વીય પુરાવો મળ્યો નથી કે જે હવામાં તરતા શિવલિંગને સંપૂર્ણ રીતે સાબિત કરે.
તાજેતરમાં આ ચર્ચા ફરી તેજ બની જ્યારે કેટલાક આધ્યાત્મિક વર્તુળોમાં દાવો થયો કે સોમનાથના મૂળ શિવલિંગના અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોમાં અસાધારણ ચુંબકીય ગુણધર્મો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો, જેને કારણે લોકોમાં ફરી ઉત્સુકતા વધી છે.
સોમનાથનું આ રહસ્ય આજે પણ લોકો માટે આસ્થા, ઇતિહાસ અને વિજ્ઞાન વચ્ચેનો અનોખો સંગમ બની રહ્યું છે. ભલે આ હવામાં તરતા શિવલિંગનું સત્ય પૂર્ણ રીતે સાબિત ન થયું હોય, પરંતુ સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને પ્રાચીન જ્ઞાનનું જીવંત પ્રતિક બનીને આજે પણ વિશ્વભરના લોકોમાં અદ્ભુત આકર્ષણ જગાવે છે.


