શનિવાર, એપ્રિલ 4, 2026

ઈ-પેપર

શનિવાર, એપ્રિલ 4, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ ગ્રામ્યમાં સાયબર સેલની મોટી કાર્યવાહી: “મ્યુલ એકાઉન્ટ” કૌભાંડમાં 16 કરોડથી વધુનો...

રાજકોટ ગ્રામ્યમાં સાયબર સેલની મોટી કાર્યવાહી: “મ્યુલ એકાઉન્ટ” કૌભાંડમાં 16 કરોડથી વધુનો ફ્રોડ, 400 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સાયબર સેલ દ્વારા હાથ ધરાયેલા “મ્યુલ એકાઉન્ટ” સામેના મ્યૂક હન્ટ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. આ કાર્યવાહી દરમિયાન 16 કરોડથી વધુના સાયબર ફ્રોડ અને આશરે 400 કરોડ રૂપિયાના નાણાકીય ટ્રાન્ઝેક્શનનો ભાંડો ફોડાયો છે. પોલીસે આ મામલે અત્યાર સુધી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ કૌભાંડમાં અગાઉ 15 આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા, જ્યારે હવે 16મા આરોપી તરીકે મનીષ ચોરેલાની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે મનીષ ચોરેલા પણ “મ્યુલ એકાઉન્ટ” ધારક તરીકે કાર્યરત હતો અને ગેરકાયદેસર નાણાંના લેવડદેવડમાં સામેલ હતો.

આ સમગ્ર કૌભાંડમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો—ખાંભા, સંવરકુંડલા, લાઠી, ગોંડલ તેમજ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આવેલી કેટલીક પેઢીઓ મારફત નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હતા. તપાસ દરમિયાન આ પેઢીઓમાં અંદાજિત 1500 કરોડ રૂપિયા સુધીના “મ્યુલ એકાઉન્ટ” ટ્રાન્ઝેક્શન થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

સાયબર સેલ દ્વારા જાણવા મળ્યું છે કે આ નાણાકીય ગોટાળો રાષ્ટ્રવ્યાપી સાઇબર ફ્રોડ સાથે જોડાયેલો છે. દેશભરમાં થયેલા ઓનલાઇન ઠગાઈના કેસોમાંથી મળેલા નાણાં આ મ્યુલ એકાઉન્ટ મારફત ફેરવવામાં આવતા હતા, જેથી મૂળ આરોપીઓને ઓળખવામાં મુશ્કેલી પડે.

આ કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એમ્પનેલ કરાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢી દ્વારા તમામ નાણાકીય વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ હવે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને નેટવર્કને શોધવા માટે વધુ કાર્યવાહી કરી રહી છે.

પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બેંક ખાતાઓ કોઈ અજાણ્યા વ્યક્તિને ઉપયોગ માટે ન આપે અને સાયબર ફ્રોડથી સાવચેત રહે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર