રાજકોટ મનપાની લાલ આંખ: બાકી વેરા મામલે કોઠારિયા રોડ પર ‘શ્રી રામ એન્ટરપ્રાઇઝ’ સીલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે શરૂ કરાયેલી આક્રમક ઝુંબેશ હવે તેજ બની રહી છે. શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલી ‘શ્રી રામ એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીને મનપાની ટીમે આજે સીલ મારી દેતા બાકીદારોમાં હડકંપ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, સંબંધીત પેઢી દ્વારા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સની રકમ ભરવામાં આવી નહોતી. મનપાના વેરા વસૂલાત વિભાગ દ્વારા વારંવાર નોટિસ પાઠવવા છતાં માલિક દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતા અંતે કડક પગલું ભરવામાં આવ્યું. આજે મનપાના અધિકારીઓ અને સ્ટાફની ટીમ સ્થળ પર પહોંચી અને નિયમ મુજબ દુકાનને સીલ કરી કાર્યવાહી પૂર્ણ કરી હતી.
મનપા સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં બાકી વેરાની વસૂલાત માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બાકીદારો સામે સીલિંગ, જપ્તી અને અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પ્રકારની કડક કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ઘણા મિલકતધારકો હવે બાકી વેરો ભરવા માટે મનપાના કચેરીઓનો સંપર્ક કરી રહ્યા છે. મનપા દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, સમયસર વેરો નહીં ભરનારાઓ સામે આવનારા દિવસોમાં પણ આવી જ સખત કાર્યવાહી ચાલુ રહેશે.


