રાજકોટમાં રજકોટ મહાનગરપાલિકા (RMC)ની આવનારી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે સેન્સ પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી બે દિવસ દરમિયાન શહેરના ત્રણ અલગ-અલગ ઝોન મુજબ હાથ ધરાશે. આ પ્રક્રિયા હેઠળ કુલ 9 નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે, જે શહેરના 18 વોર્ડોમાં જઈ દાવેદારોની સુનાવણી કરશે અને તેમની રજૂઆતો સાંભળશે.
સેન્સ પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ટોળાશાહી અથવા દબાણ ન સર્જાય તે માટે નિરીક્ષકો દ્વારા દાવેદારોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. હાલમાં વિવિધ વોર્ડોમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં એક જ વોર્ડમાંથી 50થી 100 જેટલા દાવેદારોએ પોતાનું નામ નોંધાવ્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ટિકિટ માટે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી રહી છે.
આ વખતે પૂર્વ મેયર નયના પેઢડિયા સહિતના અનેક પૂર્વ કોર્પોરેટરો અને નવા ચહેરાઓએ પણ દાવેદારી નોંધાવી છે, જેના કારણે રાજકીય સમીકરણો રસપ્રદ બન્યા છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા દરેક વોર્ડ માટે ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે અને તેને ચૂંટણી સમિતિને સોંપવામાં આવશે. અંતે ચૂંટણી સમિતિ દ્વારા ચર્ચા-વિચારણા કર્યા બાદ ઉમેદવારોના આખરી નામો જાહેર કરવામાં આવશે.


