રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનને તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે રી-ડેવલપ કરી આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે. મુસાફરોને સ્વચ્છ અને સુવિધાસભર વાતાવરણ મળી રહે તે માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, સ્ટેશનના પરિસરમાંથી સામે આવેલા કેટલાક દૃશ્યોએ સમગ્ર વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.
ભક્તિનગર રેલવે સ્ટેશનના રી-ડેવલપ કરાયેલા વિસ્તારમાં દેશી દારૂની ખાલી કોથળીઓ, પ્લાસ્ટિકનો કચરો અને અસ્વચ્છતા જોવા મળતાં મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ સ્ટેશનના કેટલાક ખૂણાઓમાં ગંદકીના ઢગલા જોવા મળતા મુસાફરોએ સફાઈ વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી હોવાનો આક્ષેપ કર્યો છે.
મુસાફરોના જણાવ્યા મુજબ સ્ટેશન પર દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આવા સ્થળે દારૂની ખાલી કોથળીઓ અને કચરો જોવા મળવો માત્ર સફાઈ વ્યવસ્થાની બેદરકારી જ નહીં પરંતુ સુરક્ષા વ્યવસ્થા પર પણ પ્રશ્નાર્થ ઊભો કરે છે. જાહેર સ્થળે આ પ્રકારની પ્રવૃત્તિઓ કેવી રીતે થઈ રહી છે અને જવાબદાર તંત્રનું ધ્યાન કેમ નથી જઈ રહ્યું તે અંગે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરોએ જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સ્ટેશનને આધુનિક બનાવવાનો હેતુ ત્યારે જ સફળ ગણાય જ્યારે તેની યોગ્ય જાળવણી પણ કરવામાં આવે. માત્ર ઈમારતો અને સુવિધાઓ ઊભી કરવાથી કામ ચાલતું નથી, પરંતુ નિયમિત સફાઈ, દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે.
આ ઘટનાને લઈને સ્થાનિકોએ રેલવે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને સ્ટેશન પર નિયમિત સફાઈ અભિયાન ચલાવવા, સીસીટીવી મોનિટરિંગ વધારવા તેમજ ગંદકી ફેલાવનાર અને જાહેર સ્થળે દારૂનું સેવન કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભક્તિનગર રેલવે સ્ટેશન રાજકોટ શહેરની મહત્વપૂર્ણ ઓળખ પૈકીનું એક ગણાય છે. ત્યારે કરોડોના ખર્ચે વિકસિત કરાયેલા સ્ટેશન પર જ ગંદકી અને બેદરકારીના દૃશ્યો સામે આવતા સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે રેલવે તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.


