1 જૂન, 2026થી સોલાર પેનલ માટે નવા નિયમો અમલમાં આવ્યા છે. જેનાથી ઇન્સ્ટોલેશન ખર્ચ વધી શકે છે.
જો તમે ઘરનું વીજળી બિલ ઘટાડવા માટે રૂફટોપ સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકાર 1 જૂન, 2026થી સોલાર ઉદ્યોગ માટે નવો અને વધુ કડક નિયમ અમલમાં મૂકી રહી છે. આ નિયમનો સીધો અસર સોલાર સિસ્ટમના ખર્ચ પર પડી શકે છે.
સરકાર દ્વારા લાગુ થનારા નવા નિયમ મુજબ હવે ફક્ત સોલાર પેનલ્સ જ નહીં, પરંતુ પેનલ્સમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની મંજૂર યાદીમાં સામેલ હોવા જરૂરી બનશે. અત્યાર સુધી ALMM List-I હેઠળ માત્ર સોલાર પેનલ્સ માટે મંજૂરી જરૂરી હતી, પરંતુ હવે ALMM List-II હેઠળ સોલાર સેલ્સ માટે પણ સરકારી ધોરણો ફરજિયાત કરવામાં આવ્યા છે.
નવા નિયમોના કારણે સોલાર પેનલ બનાવતી કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. સ્થાનિક સોલાર સેલ્સનો ઉપયોગ ફરજિયાત બનતા પેનલ્સના ભાવ વધી શકે છે, જેના કારણે રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવાનો પ્રારંભિક ખર્ચ પણ વધી શકે છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ગ્રાહકોને અગાઉ કરતાં વધુ ખર્ચ કરવો પડી શકે છે.


