રાજકોટ શહેરના નાગરિકોને વધુ સરળ અને ઝડપી સેવા મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે નાગરિકોને આર.એમ.સી.ની સેન્ટ્રલ કચેરી સુધી ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે આ પ્રક્રિયાને સરળ બનાવવાના હેતુથી શહેરની વોર્ડ ઓફિસોમાં જ આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. હવે લોકો પોતાના વિસ્તારની વોર્ડ ઓફિસમાં જઈને જન્મ અને મરણના દાખલા મેળવી શકશે. જેના કારણે સેન્ટ્રલ કચેરી પરનો ભાર પણ ઘટશે અને નાગરિકોનો સમય તેમજ ખર્ચ બંનેની બચત થશે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને આ નવી વ્યવસ્થાનો સીધો લાભ મળશે.
મળતી માહિતી અનુસાર, વોર્ડ વાઇઝ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા જરૂરી સ્ટાફ અને સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરના તમામ વોર્ડમાં આ સેવા સુચારુ રીતે શરૂ થાય તે માટે તબક્કાવાર અમલ કરવામાં આવશે. નાગરિકો પોતાના વિસ્તારની વોર્ડ કચેરીનો સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકશે અને ટૂંકા સમયમાં પ્રમાણપત્ર મેળવી શકશે.
આ અંગે કોર્પોરેટર અંકિત આણંદિયાએ જણાવ્યું હતું કે નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને તેમના વિસ્તારની નજીક ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે. જન્મ અને મરણના દાખલા માટે હવે લોકોને શહેરના એક છેડેથી બીજા છેડે જવાની જરૂર નહીં રહે અને વોર્ડ કચેરીઓમાં જ આ સુવિધા ઉપલબ્ધ બનશે. આ નિર્ણયને શહેરના નાગરિકોએ પણ આવકાર્યો છે અને તેને જનહિતલક્ષી પગલું ગણાવ્યું છે.


