રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનને ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત આધુનિક સુવિધાઓથી સજ્જ કરી પુનર્વિકસિત કરવામાં આવ્યું છે. આ અંગે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેકે મીડિયા પ્રતિનિધિઓને વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને રેલવે સ્ટેશનોને વધુ આધુનિક બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેના ભાગરૂપે ભક્તિનગર સ્ટેશનનું પણ આધુનિકીકરણ કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે સ્ટેશનના પુનર્વિકાસ કાર્ય દરમિયાન મુસાફરોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સ્ટેશન પર નવા અને વિશાળ વેઇટિંગ એરિયા, આધુનિક ટિકિટ બુકિંગ સુવિધા, સુધારેલી લાઇટિંગ વ્યવસ્થા, સ્વચ્છ અને આધુનિક શૌચાલય, પીવાના પાણીની સુવિધા તેમજ દિવ્યાંગજન માટે અનુકૂળ માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
ભક્તિનગર સ્ટેશનના પરિસરમાં સૌંદર્યીકરણનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે. સ્ટેશન બિલ્ડિંગને આધુનિક દેખાવ આપવામાં આવ્યો છે અને મુસાફરો માટે આરામદાયક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ઉપરાંત ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, જાહેર સૂચના પ્રણાલી અને સીસીટીવી સર્વેલન્સ જેવી સુવિધાઓ દ્વારા મુસાફરોને વધુ સારી સેવા અને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
શ્રી વિનીત અભિષેકે વધુમાં જણાવ્યું કે અમૃત ભારત સ્ટેશન યોજના માત્ર ઈમારતોના વિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે મુસાફરોના સમગ્ર પ્રવાસ અનુભવને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે. ભક્તિનગર સ્ટેશનના પુનર્વિકાસથી રાજકોટ અને આસપાસના વિસ્તારના મુસાફરોને સીધો લાભ મળશે.
મીડિયા પ્રતિનિધિઓને સ્ટેશન પર કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી હતી અને સ્ટેશનની નવી સુવિધાઓનું નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું. રેલવે તંત્રનું માનવું છે કે ભક્તિનગર સ્ટેશનનો આ કાયાપલટ ભવિષ્યમાં મુસાફરો માટે વધુ આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ થયેલા આ વિકાસ કાર્યને રાજકોટ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે, જે શહેરના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઓળખ આપશે.


