પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ હવે પોતાનો નિર્ણય બદલ્યો છે. પાર્ટીની અંદર પોતાની માંગણીઓ મનાવવા માટે કરેલી જાહેરાતમાં તેઓ સફળ રહ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ટેલિફોનીક ચર્ચા બાદ કિરીટ પટેલે હાલ પૂરતું દંડક પદેથી રાજીનામું મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
કિરીટ પટેલે જણાવ્યું હતું કે, મોવડી મંડળ દ્વારા યાત્રા પૂર્ણ થયા બાદ તેમની બન્ને માંગણીઓ અંગે નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવી છે. પાર્ટી લાઇન વિરુદ્ધ કામ કરનાર અને ભાષણ રોકવાના પ્રયાસ કરનાર તત્વો સામે પગલાં લેવા અંગે પણ તેમણે આગ્રહ વ્યક્ત કર્યો છે. આ મુદ્દે AICCને પત્ર લખીને હકીકતો રજૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે કહ્યું કે 2017 અને 2022ની ચૂંટણી દરમિયાન પાર્ટી વિરુદ્ધ કામ કરનાર કેટલાક લોકોના નામ તેમણે આપી દીધા છે અને તેમની સામે કાર્યવાહી થશે ત્યારે તે નામો જાહેર કરવામાં આવશે. પાર્ટીને 4 જાન્યુઆરી સુધીનો આલ્ટીમેટમ આપવામાં આવ્યો હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું.
કિરીટ પટેલે દાવો કર્યો કે આ કોઈ પ્રેશર ટેકનિક નહોતી. રાધનપુરમાં તેમના ભાષણને રોકવાનો પ્રયાસ થયો હતો તેમજ પાટણમાં થયેલી કેટલીક નિમણુંકો સામે તેમની નારાજગી હતી. ખાસ કરીને SC સમાજની સ્ટેટ લેવલની નિમણુંકો મુદ્દે તેમણે પાર્ટીને કોન્ફીડેન્શિયલ રિપોર્ટ પણ મોકલ્યો છે, જેમાં જવાબદાર લોકોના નામ સામેલ છે.
પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ યાત્રા પૂર્ણ થયા બાદ આ તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા હાલ પૂરતું દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું કિરીટ પટેલે પુનરાવર્તન કર્યું છે.
પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો યુ-ટર્ન, દંડક પદેથી રાજીનામું હાલ પૂરતું મોકૂફ


